સિવિલમાં લોહીની અછત, દર્દીઓને ભારે હાલાકી
વેકેશન, ભારે ગરમીના કારણે કેમ્પમાં ઘટાડો, દૈનિક ૧૦૦ બોટલની જરૂરીયાત સામે ડોનેશન ઓછુ થતાં સર્જાયેલી કટોકટી : દાખલ દર્દીઓ અને થેલેસેમિયા પીડિતોની મુશ્કેલી વધી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. આધુનિક સાધનો સાથે સિવિલ સજ્જ હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. હાલ રાજકોટ સિવિલમાં બ્લડની ભારે અછત સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બ્લડની અછતના કારણે થેલેસેમિયા પીડિત અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
સામાજીક સંસ્થાના સેવાભાવીએ જણાવ્યું હતું કે રાજકોટ સિવિલમાં દૈનિક ૧૦૦થી વધારે બ્લડની બોટલની જરૂરીયાત ઉદભવી રહી છે. જેમાં થેલેસેમિયા બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ અછત હોવાના કારણે દર્દીઓ અને થેલેસેમિયા પીડિતોને ના છુટકે ખાનગી બ્લડ બેંકમાં રૂપિયા ચૂકવી અને બ્લડની ખરીદી કરવી પડી રહી છે.
રાજકોટમાં અંદાજે ૮૫૦થી વધારે લોકો થેલેસેમિયા સામે લડી રહ્યાં છે. આ લોકોને દર ૧૫ દિવસે કે એક મહિનામાં બ્લડની બોટલની જરૂરીયાત હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલ, રેડક્રોસ, ફિલ્ડ માર્શલ અને સંકલ્પ સંસ્થામાં આ પીડિતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાંથી તેઓને દર મહિને જરૂરીયાત મુજબ બ્લડની બોટલની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. પરંતુ હાલ બ્લડની ભારે અછત હોવાથી પીડિતોને રઝળપાટ કરવો પડી રહ્યો છે.
સિવિલમાં બ્લડની અછતનું મુખ્ય કારણ ઉનાળો અને વેકેશન છે. આ વર્ષે ગરમી વધારે આકરી પડી રહી છે. હિટસ્ટ્રોક, બેભાન સહિતના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે પણ લોકો હાલ બ્લડ ડોનેટ કરતા અચકાઇ રહ્યાં છે. ઉપરાંત હાલ વેકેશન હોવાથી લોકો પરિવાર સાથે ફરવા નીકળી ગયા હોવાથી પણ બ્લડ ડોનેટમાં ઘટ આવી હોવાથી અછત જોવા મળી રહી છે. હાલ દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું સિવિલમાં ચર્ચાઇ રહ્યું છે.
સૌથી વધારે કેમ્પ જુલાઇથી માર્ચમાં યોજાઇ છે
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઇ જસાણીએ જણાવ્યું હતું કે સૌથી વધારે બ્લડ કેમ્પ જુલાઇથી માર્ચ મહિનામાં યોજાતા હોય છે. આ મહિનાઓ ઠંડા હોય છે જયારે માર્ચથી જૂન સુધી ગરમી પડતી હોવાના કારણે કેમ્પ ઓછા થતાં હોય છે. ઉનાળાના ચાર મહિનામાં ગણ્યા ગાંઠયા કેમ્પ થતાં હોય છે. ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ચાર મહિનામાં કટોકટી વચ્ચે પણ ૨૦ થી ૨૫ કેમ્પ કરી ૨૦૦૦થી વધારે બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી છે.
રકતદાતાઓને રકતદાન કરવા અપીલ
રાજકોટ અત્યારે સૌરાષ્ટ્ર ખાતે મેડીકલ હબ બની ગયેલ છે. સિવિલ હોસ્પિટલમાં અંદાજે ૫૮૦ થેલેસેમિયાના બાળકો છે. જેમને બ્લડની જરૂરીયાત રહેતી હોય છે. આ ઉપરાંત કિડની, પ્રસુતી, એકસીડન્ટ, કેન્સર, ઇમરજન્સીના દર્દીઓને પણ બ્લડની સખત જરૂરત રહેતી હોય છે. ત્યારે ઉનાળાની સખત ગરમીના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડની અછત છે તેવા સમયે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી કે જેઓ પોતે પણ નિયમીત છેલ્લા 3૮ વર્ષથી બ્લડ ડોનેટ કરે છે. તેઓ ઓર્ગેનાઇઝર અને રકતદાતાઓને રકતદાન કેમ્પ તેમજ રકતદાન કરવા અપીલ છે. રકતદાન કેમ્પનું આયોજન કરવા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી મો.૯૪૨૮૨ ૦૦૬૬૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


