માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે હાજી મુહમ્મદ હાજીઅબ્બાની તાજપોશી
પ્રમુખ પદ માટે હાજી મુહમ્મદને 21 મત જ્યારે હરીફ ઉમેદવાર મૌલાના ઈબ્રાહીમ ઉદયાને 16 મત મળ્યા હતા.
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમા પ્રમુખ પદે હાજી મુહમ્મદ હાજીઅબ્બા , ઉપ પ્રમુખ પદે ઈબ્રાહીમભાઈ ભાભા, જનરલ સેક્રેટરી તરીકે ઈદ્રીસભાઈ જેઠવાની નિમણૂક કરવામાં આવી હતી.
માંગરોળ મુસ્લિમ સમાજમાં સોથી મોટો, ઘાંચી સમાજ ગણાય છે. જેમના હોદ્દેદારોનુ આ વિસ્તારમાં ઘણું મહત્વ રહેલું છે. દર ત્રણ વર્ષે ઘાંચી સમાજના આગેવાનોની સિલેકટર પધ્ધતિથી વરણી કરવામાં આવે છે. જેમા ફળીયા દીઠ પાંચ આગેવાનો એમ સમગ્ર માંગરોળમાંથી 39 ઘાંચી મુસ્લિમ આગેવાની વરણી કરવામાં આવે છે. શનિવારે રાત્રે ગુલઝાર ચોક ખાતે ઘાંચી સમાજના કાર્યાલયે તમામ આગેવાનોની બેઠક મળી હતી. જેમા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી ની નિમણૂક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘાંચી સમાજનું સૌથી મોભાનું પદ ગણતાં પ્રમુખ પદ માટે હાજી મુહમ્મદ હાજીઅબ્બા અને મૌલાના ઈબ્રાહીમ ઉદયા વચ્ચે દાવેદારી થઈ હતી. ભારે રસાકસી ના અંતે આ બંને દાવેદારો વચ્ચે આખરે ચૂટણી યોજાઈ હતી. જેમા હાજી મુહમ્મદ હાજીઅબ્બાને 21 મત મળ્યા હતા જ્યારે મૌલાના ઈબ્રાહીમ ઉદયાને 16 મત મળ્યા હતા. ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ ભાભાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે જનરલ સેક્રેટરી તરીકે ઈદ્રીસભાઈ જેઠવા અને ઈબ્રાહીમ બખાઈ વચ્ચે દાવેદારી થઈ હતી પરંતુ ઈબ્રાહીમભાઈ બખાઈ એ પોતાની દાવેદારી પરત ખેંચી લેતા ઈદ્રીસભાઈ જેઠવા જનરલ સેક્રેટરી તરીકે બીન હરીફ જાહેર થયા હતા. ઘાંચી સમાજના કૂલ 39 નવનિયુક્ત આગેવાનો માથી 2 આગેવાનો હજ્જ ના સફર માં હોવાથી ગેરહાજર રહ્યા હતા. તમામ નવનિયુક્ત હોદ્દેદારોની ફૂલહાર કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.


