રાજકોટ સહિત રાજયમાં ઇબોલાનો પગપેસારાનો ભય, અમદાવાદમાં ૧૧ શંકાસ્પદ કેસથી હડકંપ
શંકાસ્પદ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા, આફ્રિકન દેશમાંથી આવતા તમામ લોકોને ફરજીયાત કવોરન્ટાઇન કરાશે, હોસ્પિટલોમાં ખાસ વોર્ડ તૈયાર કરાયા : આરોગ્ય વિભાગમાં દોડધામ
અગ્ર ગુજરાત, રાજકોટ
આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસનાં પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં AMC આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે અને કોઈપણ વ્યક્તિને લક્ષણો નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. આ 3 દેશોમાંથી કોઈ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી 60 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.
AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે.
છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી.
જો આ ત્રણ દેશમાંથી કોઈ પણ નાગરિક મુસાફરી કરીને આવે અને તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી અથવા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા ન હોય તો તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યું હોય તો તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે. જો કોઈ પેસેન્જર આ દેશમાંથી મુસાફરી કરી આવ્યો હોય અને તેને લક્ષણો હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવશે.અત્યારે કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જે લોકો મુસાફરી કરી અને આવ્યા છે તેઓ યુગાન્ડાથી આવેલા છે અને તેમને હાલમાં હોમ કવોરન્ટીન રાખવામાં આવ્યા છે.
બધા કિસ્સાઓમાં, આરોગ્ય પગલાં અને SDF ભરવા અંગેની ફ્લાઇટમાં જાહેરાતો આગમન પહેલાં પૂર્ણ કરવામાં આવશે, જેથી ભીડ ટાળી શકાય અને ઇબોલા રોગના સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય.
આગમન વિસ્તારમાં 24×7 ફરજ પર ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત છે. બધા હિસ્સેદારોએ ચેપ નિવારણ અને નિયંત્રણ પગલાંનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવું જરૂરી છે. કોઈપણ સંજોગોમાં ગેરવહીવટને કારણે આરોગ્યસંભાળ કાર્યકરો અથવા મુસાફરોને ચેપનું જોખમ ન હોવું જોઈએ. જોડાયેલ SOPનું કડક અને ફરજિયાત પાલન કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય યાત્રિક માટે હેલ્થ ફોર્મ અને કડક સ્ક્રીનિંગ ફરજિયાત
ઇબોલા વાઇરસ (EVD)ને કારણે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થતાં, રાષ્ટ્રીય હિતમાં તમામ ઈન્ટરનેશનલ મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે. રોગના આયાત અને સંક્રમણના જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા પ્રવેશ બિંદુઓ (PoE) પર તમામ એરલાઇન્સ અને હિસ્સેદારો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF)નું પાલન કડક બનાવવામાં આવ્યું છે. DGCA માર્ગદર્શિકા પરિશિષ્ટ-1 હેઠળ આવરી લેવામાં આવતી એરલાઇન્સની બધી ફ્લાઇટ્સ, આ POE પર કોઈપણ સંભવિત રાષ્ટ્રીય જાહેર આરોગ્ય જોખમ અને રોગના આયાતને ઘટાડવા માટે, બધા રૂટ માટે, બધા મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત ભરવાનું સુનિશ્ચિત કરશે.
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ
આરોગ્ય વિભાગે ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર નજર વધારી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.અધિકારીઓના જણાવ્યા મુજબ આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા પેસેન્જરો માટે જ છે, સામાન્ય મુસાફરો માટે કોઈ ચિંતા કે વધારાની કાર્યવાહી જરૂરી નથી


