ડેરી બંધ કરાવી ત્રાસ આપ્યો, પછી 61 લાખની મશીનરી ગાયબ
આપઘાત કેસ બાદ ભાઈ-બહેન સામે છેતરપીંડીનો નવો ગુનો ; પડધરીના ખંભાળા ગામે ડેરી સંચાલકને મરવા મજબૂર કર્યાના આરોપ બાદ હવે લાખો રૂપિયાના પ્લાન્ટ અને સાધનો સગેવગે કરી નાખ્યાનો આરોપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વેપારીના આપઘાત પ્રકરણમાં હવે વધુ એક ગંભીર વળાંક આવ્યો છે. ડેરી સંચાલક નિલેશભાઈ હીંડોચાને સતત ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કર્યાના આરોપો વચ્ચે હવે ભાઈ-બહેનની જોડીએ ડેરીમાં રહેલી રૂ.61.08 લાખથી વધુ કિંમતની મશીનરી અને સાધનો પણ ગાયબ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે મૃતકની પત્નીએ પડધરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા કાજલબેન નિલેશભાઈ હીંડોચાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના પતિ નિલેશભાઈ હીંડોચા ખંભાળા ગામ ખાતે ‘વી. ફોર યુ. ડેરી પ્રોડક્ટ’ નામથી ડેરી વ્યવસાય ચલાવતા હતા. વર્ષ 2024 દરમિયાન નિલેશભાઈએ તેમના ભાગીદારો પૂર્વી ત્રિવેદી અને ભાર્ગવ ભદ્રા સાથે મળીને ખંભાળા ગામે ગણેશદાસ પ્લોટ વિસ્તારમાં ભાડે શેડ લઈ આધુનિક ડેરી પ્લાન્ટ શરૂ કર્યો હતો.
ડેરી માટે કરોડોની આશાઓ સાથે ઉભા કરાયેલા આ એકમમાં અદ્યતન મશીનરી તેમજ લેબોરેટરીના સાધનો ખરીદવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ રાજકોટની એક કંપની પાસેથી ખરીદાયેલી મશીનરીની કિંમત જીએસટી સહિત રૂ.56.80 લાખથી વધુ હતી, જ્યારે લેબોરેટરી માટેના સાધનોની કિંમત રૂ.4.28 લાખ હતી. આમ કુલ રૂ.61.08 લાખથી વધુનું રોકાણ કરીને ડેરી પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં ડેરીનો વ્યવસાય સામાન્ય રીતે ચાલતો રહ્યો હતો, પરંતુ વર્ષ 2025ના એપ્રિલ માસ દરમિયાન પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ફરિયાદ મુજબ પ્લોટ માલિક પક્ષ સાથે સંકળાયેલા ધર્મિષ્ઠાબેન પેથાણીએ ડેરી સંચાલકોને ભાડું બાકી હોવાનું જણાવી ડેરી બંધ કરવાની માંગણી કરી હતી. આ વિવાદ બાદ ડેરીના મુખ્ય દરવાજે તાળું મારી તેની ચાવી પોતાની પાસે રાખી લીધી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ડેરી બંધ થતા વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. નિલેશભાઈ અને તેમના ભાગીદારોએ અનેક વખત ચાવી પરત આપવા અને ડેરી શરૂ કરવાની વિનંતી કરી હતી. ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો પણ હાથ ધરાયા હતા, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. પરિણામે લાખો રૂપિયાનું રોકાણ ધરાવતો પ્લાન્ટ બંધ હાલતમાં પડી રહ્યો હતો અને વેપાર સાથે સંકળાયેલા લોકો આર્થિક તેમજ માનસિક મુશ્કેલીમાં મુકાયા હતા. ફરિયાદ અનુસાર સતત ચાલતા વિવાદ અને માનસિક દબાણના કારણે નિલેશભાઈ ભારે તણાવમાં રહેવા લાગ્યા હતા. અંતે તેઓએ જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો હતો. ત્યારબાદ મૃતકના પરિવારજનોએ આ બનાવ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આપઘાત બાદ આરોપી પક્ષે પરિવારજનો સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને ભાડાની રકમ નહીં માંગવાની અને ડેરીનો કબજો તથા મશીનરી પરત સોંપવાની ખાતરી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ વિશ્વાસના આધારે રાજકોટ ખાતે સમાધાન કરાર પણ કરવામાં આવ્યો હતો.
સમાધાન બાદ કાજલબેન અને તેમના પરિવારજનો ખંભાળા ગામે આવેલી ડેરી ખાતે પહોંચ્યા હતા. તે સમયે ડેરીનું તાળું ખોલવામાં આવ્યું હતું અને અંદર રહેલો સામાન પણ દેખાડવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ તે સમયે મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. જોકે જ્યારે મશીનરી અને સાધનો પરત આપવા બાબતે વાત કરવામાં આવી ત્યારે બે દિવસમાં સામાન સોંપી દેવાની ખાતરી આપવામાં આવી હતી.
પરંતુ દિવસો પસાર થતા છતાં સામાન પરત મળ્યો ન હતો. પરિવારજનો વારંવાર સંપર્ક કરતા રહ્યા છતાં કોઈ સ્પષ્ટ જવાબ મળતો ન હતો. આ દરમિયાન મૃતકના ભાગીદાર ભાર્ગવભાઈ તરફથી મળેલી માહિતીથી સમગ્ર મામલો વધુ ચોંકાવનારો બની ગયો હતો.
ફરિયાદ મુજબ એક પ્રસંગે બેંકના અધિકારીઓ ડેરીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ડેરીનો દરવાજો ખોલાવવાની પ્રક્રિયા બાદ અંદર તપાસ કરતા સમગ્ર મશીનરી અને સાધનો ગાયબ હોવાનું સામે આવ્યું હતું. લાખો રૂપિયાના ડેરી પ્લાન્ટમાં રહેલા કોઈપણ મુખ્ય સાધનો કે મશીન જોવા મળ્યા ન હતા. આથી પરિવારજનોને શંકા ગઈ કે ડેરીમાં રહેલો કિંમતી સામાન કોઈક દ્વારા સગેવગે કરી દેવામાં આવ્યો છે.
મૃતકના પરિવારના જણાવ્યા મુજબ આપઘાતના કેસ બાદ પણ આરોપીઓએ વિશ્વાસમાં લઈ સમય પસાર કર્યો અને પાછળથી આખી મશીનરી જ ગાયબ કરી દીધી. જેના કારણે પરિવારને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. એક તરફ પરિવારના મોભીનું મૃત્યુ અને બીજી તરફ લાખો રૂપિયાના સાધનો ગુમ થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
આ સમગ્ર ઘટનાક્રમને આધારે કાજલબેને જયદીપ મનજી પેથાણી અને ધર્મિષ્ઠા મનજી પેથાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પડધરી પોલીસે છેતરપીંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ડેરીમાં રહેલી મશીનરીના દસ્તાવેજો, ખરીદીના પુરાવા, સમાધાન કરાર અને વીડિયોની વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં અગાઉ આપઘાત માટે દુષ્પ્રેરણાના આક્ષેપો ચર્ચામાં રહ્યા હતા, ત્યારે હવે લાખો રૂપિયાની મશીનરી ગાયબ થવાના મુદ્દે નોંધાયેલા નવા ગુનાએ સમગ્ર પ્રકરણને વધુ ગંભીર બનાવી દીધું છે. પોલીસ તપાસમાં મશીનરી ક્યાં ગઈ, કોણે હટાવી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ ખુલશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


