વિધાનસભાની તૈયારી! મનપાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ભૂવાએ શરૂ કર્યુ જનસંપર્ક કાર્યાલય
પ્રજાની સેવા કરવા સત્તા કે હોદાની જરૂર હોતી નથી, ભાવ સાચો હોવો જોઇએ : રાહુલ ભુવા
અગ્ર ગુજરાત, રાજકોટ
સામાન્ય રીતે ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી રાજકીય પક્ષોના ઉમેદવારો નિરાશ થઈને પ્રજાની વચ્ચેથી ગાયબ થઈ જતા હોય છે અથવા શાંત બેસી જતા હોય છે. પરંતુ રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ પરાજયને હાર તરીકે સ્વીકારવાને બદલે તેને પ્રજાની સેવા માટેનું એક નવું માધ્યમ બનાવી દીધું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં પરાજય છતાં, તેમણે ઉપલકાંઠા વિસ્તારના સામાન્ય અને ગરીબ નાગરિકોની સુવિધા માટે ‘જનસંપર્ક કાર્યાલય’ શરૂ કર્યું છે.
રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, પ્રજાની સેવા કરવા માટે સત્તા કે કોઈ હોદ્દાની જરૂર હોતી નથી, માત્ર મનની અંદર સેવા કરવાનો સાચો ભાવ હોવો જોઈએ.ચૂંટણીમાં હાર-જીત એ લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે અને તેઓ જનતાના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારે છે. ચૂંટણી પૂરી થવાથી પ્રજા પ્રત્યેની જવાબદારીઓ પૂરી થઈ જતી નથી. રાજકોટની જનતાએ આ ચૂંટણીમાં તેમને 11918 મતો આપવાની સાથે જે અદભુત પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે, તેનાથી તેઓ આજીવન ઋણી રહેશે. આ નવું શરૂ કરાયેલું કાર્યાલય સામાન્ય લોકો અને સરકારી તંત્ર વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનીને કાર્ય કરશે, જેથી વચેટિયાઓ દ્વારા થતી આર્થિક લૂંટ, લાંચ-રૂશ્વત કે હેરાનગતિ બંધ કરી શકાય.
આજના ડિજિટલ યુગમાં સરકારની મોટાભાગની યોજનાઓ ઓનલાઈન થઈ ગઈ છે, જેના કારણે અનેક અભણ કે અર્ધશિક્ષિત નાગરિકો ફોર્મ ભરવામાં કે ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સમર્પણ પાર્ટી પ્લોટ નજીક શરૂ કરાયેલા આ કાર્યાલયનો સમય ખાસ રાત્રિનો એટલે કે રોજ સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી નોકરીયાત અને મધ્યમ વર્ગના લોકો દિવસ દરમિયાન પોતાની મજૂરી કે નોકરી પૂરી કરીને અહીં આવી શકે. આ કાર્યાલય કોઈપણ પક્ષભેદ કે જ્ઞાતિભેદ રાખ્યા વગર તમામ નાગરિકો માટે સમાન ભાવે ખુલ્લું રહેશે.
રાહુલ ભુવાએ વિસ્તારના નાગરિકોને ભરોસો આપતા સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યાલયમાં લોકોના પ્રશ્નોને માત્ર સાંભળવામાં જ નહીં આવે, પરંતુ સંબંધિત સરકારી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સુધી સમયસર પહોંચાડીને, તેનો યોગ્ય અને કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી તેમની ટીમ સતત અને સક્રિય પ્રયાસો કરતી રહેશે.
જનસંપર્ક કાર્યાલય નીચે મુજબની મળશે સુવિધા
- મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમિકો અને વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવતી વિવિધ આર્થિક-સામાજિક યોજનાઓની વિગતવાર માહિતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવવામાં આવશે.
- રેશનકાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવું, આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો વગેરે માટે સંપૂર્ણ ઓનલાઈન માર્ગદર્શન અપાશે.
- રોજબરોજ ઉપયોગી એવા ઓળખપત્રો, ચૂંટણી કાર્ડ, મા અમૃતમ કે આયુષ્માન ભારત કાર્ડ અને પાનકાર્ડ સંબંધિત કામોમાં લોકોને વહીવટી મદદ કરવામાં આવશે.
- પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તા અને સફાઈ જેવા મનપાના સ્થાનિક પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓની બેદરકારી સામે યોગ્ય ફોરમ પર મજબૂત રજૂઆત કરવા માટે જરૂરી કાયદાકીય અને વહીવટી સહાય આપવામાં આવશે.


