પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓનો અનોખો સંગમ
અભિલાષ ઘોડા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ 5 જૂને થશે ભવ્ય રિલીઝ
45 વર્ષના અનુભવી ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડાનું નામ જોડાતા વધી ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા; પ્રેમ અને સંબંધોની હૃદયસ્પર્શી કહાની સાથે દર્શકોને મળશે મનોરંજન અને સંદેશનો ડબલ ડોઝ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં વિકાસ અને વૈવિધ્યતાના નવા શિખરો સર કરી રહ્યો છે. મજબૂત વિષયવસ્તુ, આધુનિક વિચારસરણી અને ગુણવત્તાસભર નિર્માણના કારણે ગુજરાતી ફિલ્મો હવે માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ દેશ-વિદેશમાં પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે. આવા સમયે ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે વધુ એક ખુશખબર સામે આવી છે. પ્રેમ, લાગણી, સંબંધો, સંઘર્ષ અને મનોરંજનનો અનોખો સમન્વય ધરાવતી ગુજરાતી ફિલ્મ સરગમ આગામી 5 જૂન, 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને અનુભવી ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડાની પ્રસ્તુતિ મળી છે, જે ફિલ્મ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા 45 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અભિલાષ ઘોડાએ અનેક સફળ પ્રોજેક્ટ્સ સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સરગમ ની કથા અને રજૂઆતથી પ્રભાવિત થઈ તેમણે ફિલ્મ સાથે પોતાનું નામ જોડ્યું છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકો અને ઉદ્યોગજગતમાં ઉત્સુકતા વધી છે. ફિલ્મ સરગમ માત્ર એક સામાન્ય પ્રેમકથા નથી. આજના યુગમાં સંબંધોમાં આવતી ગૂંચવણો, લાગણીઓની જટિલતા અને સમયના ફેરફાર સાથે બદલાતા પ્રેમના અર્થને ફિલ્મમાં અત્યંત સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મનો મુખ્ય વિષય એ છે કે જ્યારે જીવનમાં સાચા સમયે ખોટા વ્યક્તિનો અને ખોટા સમયે સાચા વ્યક્તિનો સાથ મળે ત્યારે સંબંધોના તાર કેવી રીતે વેરવિખેર થઈ જાય છે. આ વિચારને ખૂબ જ અસરકારક અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં પ્રેમની સાથે જીવનની વાસ્તવિકતાઓ, સંઘર્ષો અને લાગણીઓના અનેક રંગો જોવા મળશે. એક તરફ દર્શકોને હાસ્યથી ભરપૂર દ્રશ્યો માણવા મળશે તો બીજી તરફ લાગણીસભર ક્ષણો તેમની આંખોને ભીની પણ કરી દેશે. આ કારણસર ‘સરગમ’ને સંપૂર્ણ પારિવારિક મનોરંજન ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે. ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રતિભાશાળી કલાકારોની મજબૂત ટીમ જોવા મળશે. મુખ્ય ભૂમિકામાં હર્ષલ માંકડ (હેયાન), શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર જેવા કલાકારો છે. દરેક કલાકારે પોતાના પાત્રમાં જીવ પૂરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફિલ્મના ટ્રેલર અને પ્રચાર સામગ્રી પરથી સ્પષ્ટ થાય છે.
સરગમના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા (આર્ટ કોર્પોરેશન) છે. તેમણે ફિલ્મને માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રાખી, પરંતુ તેમાં સમાજને સ્પર્શતો સંદેશ પણ સમાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના એસોસિયેટ નિર્માતા તરીકે ધન્યતા એસોસિએટ્સના સ્વ. સિદ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવિરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઈ મોઢવાડીયા જોડાયેલા છે, જેમણે ફિલ્મને મજબૂત આધાર પૂરો પાડ્યો છે.
ફિલ્મની સૌથી મોટી તાકાત તેની કથા અને સ્ક્રીનપ્લે હોવાનું માનવામાં આવે છે. ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હર્ષલ માંકડ (હેયાન) દ્વારા લખવામાં આવ્યા છે. પ્રેમ અને સંબંધોની ગૂંચવણોને સરળ અને અસરકારક ભાષામાં રજૂ કરવાના તેમના પ્રયાસની પ્રશંસા થઈ રહી છે. જીવનના અનેક પાસાઓને સ્પર્શતી આ વાર્તા દર્શકોને અંત સુધી જોડીને રાખશે તેવો વિશ્વાસ ફિલ્મની ટીમ વ્યક્ત કરી રહી છે.
સંગીતની દ્રષ્ટિએ પણ સરગમ ખાસ મહત્વ ધરાવે છે. ફિલ્મના ગીતોમાં પ્રેમ, પીડા, વિરહ અને લાગણીઓના વિવિધ રંગોને સંગીત દ્વારા જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે ફિલ્મના ગીતોને ભારતીય સંગીત જગતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના અવાજ મળ્યા છે. તેમના સ્વર ફિલ્મની ભાવનાત્મક ઊંડાણને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે. ગુજરાતી સિનેમા હાલમાં નવા વિષયો અને નવી રજૂઆતના કારણે દર્શકોમાં લોકપ્રિય બની રહ્યો છે. સરગમ પણ એ જ શ્રેણીની ફિલ્મ તરીકે સામે આવી રહી છે, જેમાં મનોરંજનની સાથે જીવન અને સંબંધો વિશે વિચારવા માટે મજબૂર કરી દે એવો સંદેશ સમાયેલો છે. ફિલ્મ યુવાનો, પરિવારો અને દરેક વયજૂથના દર્શકોને સ્પર્શી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફિલ્મ સાથે અનેક શુભેચ્છકો અને રોકાણકારો પણ જોડાયેલા છે. અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી ફિલ્મના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે આ પ્રોજેક્ટનો ભાગ બન્યા છે. તેમના સહયોગથી ફિલ્મને વધુ વ્યાપક સ્તરે રજૂ કરવાની યોજના ઘડવામાં આવી છે.
ફિલ્મની ટિકિટો હાલમાં BookMyShow સહિત ગુજરાત અને મુંબઈના વિવિધ સિનેમાઘરોમાં બુકિંગ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. ફિલ્મની ટીમને આશા છે કે દર્શકો પરિવાર સાથે થિયેટરમાં આવી આ લાગણીસભર સફરનો આનંદ માણશે.
પ્રેમ, લાગણીઓ, સંબંધો, હાસ્ય અને જીવનના અનેક રંગોને એકસાથે રજૂ કરતી સરગમ ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં વધુ એક યાદગાર ઉમેરો બની શકે છે. આગામી 5 જૂને જ્યારે ફિલ્મ મોટા પડદે આવશે ત્યારે દર્શકોને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ જીવન અને સંબંધોને નવી નજરે જોવાનો અવસર પણ મળશે. આવતી 5 જૂને પરિવાર સાથે માણો પ્રેમ, લાગણીઓ અને હાસ્યની અનોખી સફર સરગમ, એક એવી ફિલ્મ જે દિલને સ્પર્શશે અને લાંબા સમય સુધી યાદ રહેશે.
‘સરગમ’માં માતા અને પત્નીના અનોખા પાત્રમાં જોવા મળશે દર્શીના બારોટ
આગામી 5 જૂને રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ સરગમમાં અભિનેત્રી દર્શીના બારોટે ફિલ્મના હીરોની પત્ની તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વડોદરાની રહેવાસી છે અને ‘સરગમ’ તેમની ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમણે માતા અને પત્નીનું પાત્ર નિભાવ્યું છે, જે તેમના માટે અત્યાર સુધીના કરેલા પાત્રોથી એકદમ અલગ અને પડકારજનક રહ્યું છે. તેમણે જણાવ્યું કે સરગમ આજના સમાજના અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શતી ટ્રાયેંગલ મ્યુઝિકલ ફિલ્મ છે. ફિલ્મમાં ભાવનાત્મક પ્રસંગો સાથે મહત્વપૂર્ણ સામાજિક સંદેશાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શકોને ચોક્કસપણે સ્પર્શશે અને પસંદ પડશે.
સરગમ માં ટાઇટલ રોલમાં ચમકશે શ્રી માંડવિયા, પ્રેમ અને સંબંધોનો આપશે અનોખો સંદેશ
આગામી 5 જૂને રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ સરગમમાં હીરોની પ્રેમિકા અને ટાઇટલ પાત્ર સરગમ ની ભૂમિકા અભિનેત્રી શ્રી માંડવિયાએ ભજવી છે. પોરબંદરની વતની અને હાલ રાજકોટમાં રહી કારકિર્દીની શરૂઆત કરી રહેલી શ્રી માટે આ પહેલી ફિલ્મ છે. અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરગમ એક ટ્રાયએંગલ લવ સ્ટોરી છે, જેમાં સંબંધોમાં સર્જાતી પરિસ્થિતિઓ માટે એક વ્યક્તિ નહીં પરંતુ બંને પક્ષોની જવાબદારી દર્શાવવામાં આવી છે. ફિલ્મ એ પણ સંદેશ આપે છે કે જીવનમાં થયેલી ભૂલોનો સ્વીકાર કરીને યોગ્ય સમયે યુ-ટર્ન લેવામાં આવે તો નવી શરૂઆત શક્ય બને છે. દર્શકોને સ્પર્શે તેવી સંવેદનશીલ અને અર્થસભર ફિલ્મ તરીકે ‘સરગમ’ રજૂ થઈ રહી છે.
સરગમ માં મિત્રતા, પ્રેમ અને લાગણીઓનો અનોખો સંગમ : હર્ષિત ઢેબર
આગામી 5 જૂને રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ અંગે અભિનેતા હર્ષિત ઢેબરે અગ્ર ગુજરાત સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ મ્યુઝિકલ લવ સ્ટોરી, કોમેડી અને ઈમોશન્સથી ભરપૂર છે. ફિલ્મમાં બે મિત્રો વચ્ચેના ગાઢ સંબંધો, પ્રેમ અને જીવનની લાગણીઓને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. હર્ષિતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફિલ્મની વાર્તા અને સંગીત દર્શકોને ચોક્કસ પસંદ પડશે. તેમણે જણાવ્યું કે સરગમ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન ફિલ્મ છે, જેને દર્શકોએ અવશ્ય નિહાળવી જોઈએ. ફિલ્મના પ્રમોશન માટે મળેલા સહયોગ બદલ તેમણે અગ્ર ગુજરાતનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત-મુંબઈના 80 જેટલા થિયેટરોમાં એકસાથે રિલીઝ થશે સરગમ : અભિલાષ ઘોડા
ગુજરાતી ફિલ્મ સરગમના પ્રતિષ્ઠિત નિર્માતા અભિલાષ ઘોડાએ અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 45 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ફિલ્મની મજબૂત વાર્તા અને ભાવનાત્મક વિષયવસ્તુથી પ્રભાવિત થઈ તેમણે આ પ્રોજેક્ટ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું કે હાલ દર્શકોનો ગુજરાતી ફિલ્મો તરફ ઝુકાવ વધ્યો છે, જે ઉદ્યોગ માટે સકારાત્મક સંકેત છે. આગામી 5 જૂને રિલીઝ થનારી સરગમ ગુજરાત અને મુંબઈ સહિતના 75થી 80 થિયેટરોમાં એકસાથે રજૂ થશે. ફિલ્મનું શૂટિંગ રાજકોટ અને દીવમાં થયું છે, જ્યારે 4 જૂને મુંબઈ અને 6 જૂને રાજકોટમાં પ્રીમિયર શો યોજાશે.


