ઓપરેશન ડેલ્ટા હન્ટ : ઘૂસણખોરીના નેટવર્ક પર પોલીસનો પ્રહાર
ગુજરાતમાં 362 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા
782થી વધુ શંકાસ્પદોની પૂછપરછ ચાલુ; આશ્રય, નકલી દસ્તાવેજો અને સિમકાર્ડ પૂરા પાડનારા સ્થાનિક એજન્ટો પણ પોલીસના રડારમાં, ભાગી છૂટવાનો પ્રયાસ કરનારા 18 લોકો નાકાબંધીમાં ઝડપાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે રાજ્યવ્યાપી મેગા એક્શન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ એકસાથે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 362 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 782થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની પૂછપરછ અને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરે. ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસતા દરેક ઘૂસણખોરને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી બાદ તેમના દેશ પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર ઘૂસણખોરો જ નહીં, પરંતુ તેમને આશરો, રોજગાર, સિમકાર્ડ અથવા નકલી ઓળખપત્રો ઉપલબ્ધ કરાવનાર તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા 362 લોકોમાં 103 પુરુષો, 188 મહિલાઓ અને 71 બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 155 લોકો ઝડપાયા છે. સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી 34, ગાંધીધામ-પૂર્વ કચ્છમાંથી 13 તેમજ ભરૂચ સહિતના વિસ્તારોમાંથી પણ ગેરકાયદે રહેતા લોકો મળી આવ્યા છે. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા પોલીસ દ્વારા અગાઉથી વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. દરોડા શરૂ થતાં જ સંભવિત આરોપીઓ રાજ્યની બહાર નાસી ન જાય તે માટે બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો, હાઈવે અને મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર સઘન નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પરિણામે ભાગી છૂટવાનો પ્રયાસ કરનારા 18 જેટલા શંકાસ્પદોને પણ સ્થળ પર જ ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલા કેટલાક લોકો વર્ષો પહેલાં પશ્ચિમ બંગાળની સરહદ મારફતે ભારતમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ સ્થાનિક દલાલોની મદદથી ખોટા દસ્તાવેજો તૈયાર કરાવી આધારકાર્ડ સહિતની ઓળખ મેળવવામાં સફળ રહ્યા હતા. આ ગોઠવાયેલા નેટવર્કની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યવાહી ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને મેદાની ચકાસણીના સંયોજનથી હાથ ધરાઈ છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એકત્ર કરાયેલા ડેટાના આધારે બાંગ્લાદેશના નંબર સાથે સતત સંપર્કમાં રહેલા ભારતીય મોબાઈલ નંબરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં 6200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરીને તેના આધારે રાજ્યભરમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત બનાવાશે અને ગુજરાતના દરેક ખૂણે ગેરકાયદેસર રીતે વસતા તત્વો સામે કાર્યવાહી ચાલુ રહેશે. એક જ રાતમાં થયેલી આ વ્યાપક કાર્યવાહીને ગુજરાત પોલીસની નોંધપાત્ર અને ઐતિહાસિક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.


