ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા
વળતર આપ્યા વિના કામગીરી કરતા જગતાત દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખેડૂતો અને પાવર ગ્રીડ કંપની વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાંથી પસાર થઈ રહેલી હાઈટેન્શન વીજ લાઈનના થાંભલા નાખવા મુદ્દે અને તેના યોગ્ય વળતરની માંગ સાથે લાંબા સમયથી લડત ચલાવી રહેલા ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. કંપની દ્વારા વળતર આપ્યા વિના કામગીરી આગળ ધપાવવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ ‘રસ્તા રોકો આંદોલન’ શરૂ કરીને મોટો હોબાળો મચાવ્યો છે.
ખેડૂતોએ એકત્રિત થઈને કોંઢથી થાન અને રાજકોટ તરફ જવાના મુખ્ય હાઈવેને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. રસ્તાની વચ્ચે ટ્રેક્ટરો અને વાહનો આડા મૂકીને ચક્કાજામ કરી દેવાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, પાવર ગ્રીડ કંપની સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રોટેક્શનનો દુરુપયોગ કરીને બળજબરીપૂર્વક ખેડૂતોના ઊભા પાક વચ્ચે વીજ લાઈનના ભારેખમ થાંભલા ઊભા કરી રહી છે, જેનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતો લાંબા સમયથી યોગ્ય વળતર માટે કાનૂની અને શાંતિપૂર્ણ લડત લડી રહ્યા હતા, પરંતુ કંપનીના અક્કડ વલણના કારણે અંતે તેમને રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. એકસાથે સેંકડો ખેડૂતોએ રસ્તો બંધ કરી દેતા વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ અધિકારીઓ દ્વારા હાલમાં આંદોલનકારી ખેડૂતોને સમજાવવાના અને મામલો શાંત પાડીને રસ્તો ખુલ્લો કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમ છે અને જ્યાં સુધી વળતરનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટવાનો સાફ ઈનકાર કરી દીધો છે. ખેડૂતોના આ આકરા પ્રહારથી પંથકમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.


