ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત, એક ગંભીર
મામા-ફઇના ભાઇ-બહેન રમતા-રમતા ઊંડા પાણીમાં ગરક થયા : હચમચાવતી ઘટનાથી પરિવાર અને પંથકમાં શોક
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. શેમળા ગામમાં આવેલા ઓરિયા તળાવમાં રમતા-રમતા ડૂબી જવાથી ત્રણ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકની હાલત અત્યંત ગંભીર છે. આ તમામ બાળકો એક જ પરિવારના હોવાથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગોંડલ તાલુકાના શેમળા ગામમાં ખેડૂત જાડેજા નિરુભા હકુભાની વાડીમાં એક શ્રમજીવી પરિવાર મજૂરીકામ કરી રહ્યો હતો. આ દરમિયાન વાડીથી માત્ર 500 ફૂટ દૂર આવેલા ઓરિયા તળાવ (ડેમ) પાસે બાળકો રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક જ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાડી માલિક નિરુભા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિવારજનોએ ભારે જહેમત બાદ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને સમયસૂચકતા વાપરીને ચારેય બાળકોને પ્રાઇવેટ કાર મારફતે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, કમનસીબે ત્યાં હાજર તબીબોએ 3 બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતકોના દેહ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક બાળકને ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
આ તમામ બાળકો એક જ પરિવારના (બનેવી કરશનભાઈ અને તેમના સાળાના) સંતાનો હતા. જેમાં કરશનભાઈના બે અને તેમના સાળાના એક બાળકનું મોત થયું છે. જેમાં અર્જુન ભુરાભાઈ બબેરીયા (ઉંમર: 6 વર્ષ), લખત કરશનભાઇ ડામોર (ઉંમર: 6 વર્ષ) અને લક્ષ્મી કરશનભાઇ ડામોર (ઉંમર: 3 વર્ષ) અને સાહિલ ભુરાભાઈ બબેરીયા (ઉંમર: 3 વર્ષ) હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ ગોઝારી ઘટના સમયે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ, ગીરીશભાઈ ગોહેલ અને વ્યાજબીભાઈએ શોકાતુર પરિવારને મદદ પૂરી પાડી હતી.
દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમાં યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર સહિતના ભાજપના અગ્રણીઓએ હાજર રહીને શોકાતુર પરિવારને હૈયાધારણ અને સાંત્વના પાઠવી હતી.


