જેતપુર અને વીરપુર થી થોરાળા ગામ તરફ જતા મુખ્ય માર્ગમાં મસમોટા ખાડાઓ
અતિ બિસ્માર રસ્તાઓ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર તાલુકાના વીરપુર પાસેના થોરાળા ગામને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. નેશનલ હાઈવેથી થોરાળા ગામ તરફ જતો રોડ છેલ્લા નવ વર્ષથી સમારકામની રાહ જોઈ રહ્યો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. રસ્તા પર ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવતાં માર્ગની સ્થિતિ વધુ જોખમી બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જેતપુર અને વીરપુર થી થોરાળા ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે. રસ્તા પર ઠેરઠેર મોટા ખાડાઓ પડ્યા છે અને અનેક સ્થળોએ કાંકરી બહાર આવી જતાં વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવેથી થોરાળા ગામ તરફનો માર્ગ છેલ્લા નવ વર્ષથી નવો બનાવવામાં આવ્યો નથી. અનેક રજૂઆતો છતાં હજુ સુધી માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી. માત્ર થોરાળા જ નહીં પરંતુ થોરાળાથી વીરપુર અને ચરખડી તરફ જતો માર્ગ પણ ભંગાર હાલતમાં હોવાથી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી વહેલી તકે બને તેવી માંગ ઉઠી છે.
ચોમાસું નજીક આવતાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બનવાની શક્યતા વચ્ચે ગ્રામજનોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો અકસ્માતોની સંખ્યા વધવાની સાથે લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવે તંત્ર આ મુદ્દે કેટલું ઝડપથી પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
વર્કઓર્ડર જારી કરી દેવાયો
રોડ એન્ડ પંચાયત વિભાગના અધિકારી રજા પર હોવાથી વિભાગીય કચેરીમાંથી મળતી માહિતી મુજબ માર્ગના સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો છે અને સંબંધિત એજન્સીને કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. જોકે હાલમાં ડામરની અછતને કારણે કામ શરૂ થઈ શક્યું નથી. વિભાગના જણાવ્યા મુજબ જરૂરી સામગ્રી ઉપલબ્ધ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવશે અને ચોમાસા પહેલાં માર્ગનું સમારકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.


