શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી
૧૮ વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ વર્ગખંડમાં જ કરાશે : હેલ્થ ટીમ આરોગ્ય કાર્ડ વાલીઓને આપશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા આગામી 18, 19 અને 20 જૂન, 2026 દરમિયાન યોજાનારા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ને લઈને આરોગ્ય અને શિક્ષણ વિભાગે કમર કસી છે. આ વખતે પ્રવેશોત્સવ માત્ર શૈક્ષણિક ઉત્સવ નહીં, પરંતુ બાળકો માટે એક મોટું હેલ્થ ડ્રાઇવ પણ બનશે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ જન્મથી લઈને 18 વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસ ક્લાસરૂમમાં જ કરવામાં આવશે.
બાળકોમાં વિટામિન કે પોષણની ઊણપ, જન્મજાત ખામી, નાની-મોટી બીમારીઓની તપાસ ટીમ કરશે. આ માટે ખાસ માઇક્રોપ્લાનિંગ તૈયાર કરીને દરેક જિલ્લા અને કોર્પોરેશનને આદેશ અપાયા છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોના હેલ્થ ચેકઅપ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ કાર્યક્રમમાં સચિવાલય સંવર્ગના તમામ વર્ગ-1ના ઉચ્ચ અધિકારીઓ (IAS, IPS, IFS)ને પણ આમંત્રિત કરાયા છે જેઓ આ હેલ્થ કેમ્પની મુલાકાત લેશે. તમામ શાળાઓના પ્રિન્સિપાલ અને નોડલ શિક્ષકોને આદેશ અપાયો છે કે તેઓ શાળામાં મોબાઇલ હેલ્થ ટીમ (MHT) માટે એક અલગ ક્લાસરૂમની ફાળવણી કરે.
આ તપાસ દરમિયાન બાળકોમાં ડેવલોપમેન્ટલ ડીલે, ડેફિસિયન્સી, ડિસીઝ અને ડિસેબિલિટી (4D)ની તપાસ કરીને સ્થળ પર જ જરૂરી દવાઓ, વિટામિન-A, આયર્નની ગોળીઓ અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે.
હેલ્થ ટીમ દ્વારા તપાસાયેલા બાળકોનો ડેટા રિયલ ટાઇમમાં ‘ટેકો પોર્ટલ’ પર અપલોડ થશે. આ ડેટા સીધો ‘સર્વ શિક્ષા અભિયાન’ (SSA) પોર્ટલ સાથે ફેચ થઈ જશે. ત્યારબાદ શાળાના નોડલ શિક્ષક ત્યાંથી જ ઓટોમેટિક જનરેટ થયેલું ‘હેલ્થ કાર્ડ’ પ્રિન્ટ કરીને વાલીને સોંપશે. આ સિવાય તમામ વિદ્યાર્થીઓના ‘આભા આઇડી’ (ABHA ID) સુનિશ્ચિત કરવા અને ડિસેબિલિટી ધરાવતા બાળકોને સર્ટિફિકેટ અપાવવા માટે કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આશા બહેનોને પણ સપોર્ટિવ રોલ સોંપાયો છે.
ક્લાસરૂમમાં જ સારવાર આપશે
- તપાસ દરમિયાન જો બાળકમાં લોહીની ટકાવારી ઓછી જણાશે, કુપોષણ હશે કે અન્ય કોઈ તકલીફ દેખાશે, તો વાલીએ હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે. ડોક્ટર્સની ટીમ દ્વારા શાળાના ક્લાસરૂમમાં જ સ્થળ પર તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાશે.
- સ્થળ પર જ જરૂરી દવાઓ, વિટામિન-Aની સિરપ આપવામાં આવશે.
- લોહીનું પ્રમાણ ઓછું હોય તેમનામાં લોહી વધારવા માટે આયર્ન (IFA)ની ગોળીઓ પણ અપાશે.
- કરમિયા નાશ કરવા માટે આલ્બેન્ડાઝોલ તેમજ ઝાડા-ઊલટી જેવી સ્થિતિમાં રાહત આપતા ORS અપાશે.
- ઝિંકની ગોળીઓનું રૂબરૂ વિનામૂલ્યે વિતરણ કરાશે.
- જો બાળકમાં કોઈ ગંભીર જન્મજાત ખામી જણાશે તો તેને આગળની મોટી હોસ્પિટલમાં રીફર કરીને સરકાર તરફથી દિવ્યાંગતા સર્ટિફિકેટ (UDID) પણ કઢાવી અપાશે.
- ટૂંકમાં, બાળક શાળામાં પ્રવેશતાની સાથે જ તેના ભણતરની સાથે સ્વાસ્થ્યની જવાબદારી પણ સરકાર ઓન-ધ-સ્પોટ સ્વીકારી લેશે.


