પ્રિ-મોન્સુનની કામગીરી દરમ્યાન બનેલો બનાવ
અમીન માર્ગ પર મનપાએ ખોદેલા ખાડામાં તેનો ટ્રક જ ખાબકયો
ડ્રેનેજ શાખાનો ટ્રક વ્હેલી સવારથી બપોર સુધી ત્યાં જ ફસાયેલો રહેતા ટ્રાફિકજામ : કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોનો ઉલાળ્યો થયો હોવાના આક્ષેપ
પાણી ભરાવાના સ્થળો પર કોર્પોરેશનના બબ્બે કર્મચારીઓ ફરજમાં મૂકાશે : મેયર
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે એક વિચિત્ર અને તંત્રની બેદરકારી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. શહેરના અમીન માર્ગ પર પાઇપલાઇનના કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં મહાનગરપાલિકાની જ ડ્રેનેજ શાખાની ટ્રક ખૂંપી ગઈ હતી. 6 જૂનની સવારે બનેલી આ ઘટના બાદ બપોર સુધી ટ્રક ત્યાં જ ફસાયેલી રહેતા રાહદારીઓ અને વાહનચાલકો ટ્રાફિકજામથી ભારે પરેશાન થયા હતા. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં સુરક્ષાના કોઈ નિયમો ન જળવાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો અને વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
સ્થાનિક રાહદારીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, મનપાએ ખોદેલા ખાડામાં તેમની જ ટ્રક ફસાઈ જવી એ ભ્રષ્ટાચારનો વિકાસ છે. હજુ ચોમાસું શરૂ થશે ત્યારે વરસાદના કારણે આનાથી પણ મોટા ખાડા પડશે અને લોકોની મુશ્કેલી વધશે.
મેયરે જણાવ્યું કે, પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત જે વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે તે સ્પોટ્સ નક્કી જ હોય છે. આથી, પાણી ભરાવાના સ્થળો પર કોર્પોરેશનના બબ્બે કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવશે. આ વર્ષે ચાલુ વરસાદે પણ કોર્પોરેશનના એન્જિનિયરો, કર્મચારીઓ અને પદાધિકારીઓ જાતે ગ્રાઉન્ડ પર રહીને મોનિટરિંગ કરશે જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે.
ચોમાસામાં આ સ્થિતિ રહેશે તો આંદોલન કરીશું : કોંગ્રેસ
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમીન માર્ગના કોર્નર પર રેલવે ફાટકની સામે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ખોદકામ કરવામાં આવ્યું હતું. અહીં છેલ્લા 4 દિવસથી આ જ પરિસ્થિતિ હોવા છતાં કોઈપણ પ્રકારનું બેરિકેટ લગાવવામાં આવ્યું નહોતું, જેના કારણે ખુદ મનપાનું જ વાહન ખાડામાં ફસાઈ ગયું. તેમણે ઉમેર્યું કે, મનપા પ્રિ-મોન્સૂન કામગીરી કરે તે આવકારદાયક છે. એસ્ટ્રોન ચોક પાસે બનેલી આ ઘટના અંગે તેમણે ચેતવણી આપી કે જો ચોમાસામાં રસ્તાઓની સ્થિતિ ખરાબ રહેશે તો કોંગ્રેસ મનપાનો ઘેરાવ કરશે.
એજન્સી સામે કાર્યવાહી કરાશે : મેયર
આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને માધ્યમો દ્વારા દોઢ કલાક પહેલા જ આ ઘટનાની જાણ થતાં સંલગ્ન અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતા. 2 દિવસ પહેલા ત્યાં નળની લાઈન લીકેજ હોવાથી કામગીરી કરાઈ હતી, પરંતુ ત્યારબાદ માત્ર રેતી-કપચી નાખી ખાડો પૂરવામાં આવતા રસ્તો કાચો રહી ગયો હતો.


