શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પાંચ દિ’ પાછો ઠેલવાયો
વહિવટી કારણોસર તારીખમાં ફેરફાર : હવે તા.૨3 થી ૨૫ જૂન યોજાશે મહોત્સવ
અધિકારીઓ-પદાધિકારીઓએ જાહેર ટ્રાન્સપોર્ટ અને કાર પૂલિંગની સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’ના આયોજનને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી વહીવટી કારણોસર શાળા પ્રવેશોત્સવની પૂર્વ નિર્ધારિત તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા સત્તાવાર નિર્ણય અનુસાર, હવે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ આગામી 23 જૂનથી 25 જૂન દરમિયાન યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શૈક્ષણિક મહોત્સવ અગાઉ 18 જૂનથી 20 જૂન દરમિયાન યોજાવાનો હતો, જેમાં હવે ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
તારીખોના ફેરફારની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા આ મહોત્સવમાં ભાગ લેનારા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે એક અત્યંત મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. પ્રવેશોત્સવ દરમિયાન સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવા અને પર્યાવરણની સુરક્ષાના હેતુથી અધિકારીઓને ખાસ પરિવહન વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે.
નવી માર્ગદર્શિકા મુજબ, નિયુક્ત કરાયેલા તમામ અધિકારીઓને જિલ્લાઓમાં જવા માટે વ્યક્તિગત સરકારી વાહનોના સ્થાને ટ્રેન મારફતે મુસાફરી કરવા અથવા તો ‘કાર પુલિંગ’ એટલે કે એક જ વાહનમાં એકથી વધુ અધિકારીઓએ સાથે પ્રવાસ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓ માટે પ્રવાસની માર્ગદર્શિકા જાહેર
સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે રૂટ પર રેલવેની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં અધિકારીઓએ અચૂકપણે વંદે ભારત ટ્રેન અથવા તો અન્ય જાહેર પરિવહનના માધ્યમોનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય વીઆઈપી (VIP) કલ્ચર અને બિનજરૂરી ટ્રાફિક ઘટાડવાની સાથે સરકારી તિજોરી પર પડતો ઈંધણનો બોજ ઓછો કરવાનો છે. તારીખોના ફેરફાર બાદ હવે નવા શિડ્યુલ પ્રમાણે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સરકારી મહોત્સવને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.


