ભેળસેળીયા સાવધાન! મનપા એક વર્ષ ચલાવશે મેગા ડ્રાઇવ
હોકર્સ ઝોન, રેકડી ધારકો, હરતા-ફરતા ધંધાર્થીઓ, લોકલ રેસ્ટોરન્ટ, નામાંકિત મોટી હોટેલો અને તમામ વેપારીઓને ડ્રાઇવમાં આવરી લેવાશે
ભેળસેળ ખૂલશે તો સ્થળ પર જ દંડની વસુલાત, વ્યવસાયિક એકમ સીલિંગ સહિતના આકરા કાયદા પગલા લેવા સત્તાધીશોનો આદેશ
ઉત્પાદન કરતા એકમો, સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ, ફરસાણ, બેકરી પ્રોડકટસને આવરી લેવાશે : મનપાની આરોગ્ય બેઠકમાં લેવાયો નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ભેળસેળવાળા ખોરાકમાંથી મુક્તિ અપાવવા, ભેળસેળ વિરુધ્ધ આગામી એક વર્ષ સુધી સતત સઘન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, તેમ મેયર ડૉ. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આજે યોજવામાં આવેલી પ્રેસમીટમાં જાહેર કરવામાં આવ્યું હતું. તેઓએ શહેરના વેપારીઓને ભેળસેળથી દૂર રહેવા ચેતવણી આપતા એમ કહ્યું હતું કે, ભેળસેળ કરતાં પકડાશે તે ધંધાર્થી સામે સ્થળ પર જ દંડની વસૂલાત, વ્યવસાયિક એકમ સીલિંગ સહિતના આકરા કાયદાકીય પગલાં લેવાશે. આ પ્રેસમીટમા ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તેમજ આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણી, ફૂડ વિભાગના અધિકારી ડૉ. હાર્દિક મેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે, ખોરાકનો મુદ્દો સૌને સ્પર્શે છે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ સમગ્ર રાજ્યમાં લોકોને ભેળસેળ વગરના ખાદ્યપદાર્થો મળી રહે તેનો આગ્રહ રાખે છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આ મુદ્દો ગંભીરતાથી લઈ રહી છે. રાજકોટમાં લોકોને ભેળસેળવાળા ખોરાકમાંથી મુક્તિ અપાવવાના સંકલ્પ સાથે આ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાદ્યપદાર્થોના વ્યાપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ પોતાના નાનકડા નફા માટે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાથી અને ભેળસેળ કરવાથી દૂર રહે તે માટે ચેતવણી સાથે વિનંતી કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ત્રણ કેટેગરીમાં એટલે કે, ૧) નાનામાં નાના ધંધાર્થીઓ (હોકર્સ ઝોન, રેંકડી ધારકો અને હરતા ફરતા ધંધાર્થીઓ), ૨) લોકલ રેસ્ટોરન્ટ અને ૩) નામાંકિત મોટી હોટલો – રેસ્ટોરન્ટ, એમ તમામ ધંધાર્થીઓને આ ચેકિંગ ઝુંબેશમાં આવરી લેવામાં આવશે.
આ અવસરે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, તમામ ખાદ્યપદાર્થના ધંધાર્થીઓને ભેળસેળથી દૂર રહેવા રાજકોટ મહાનગરપાલિકા અપીલ કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના તમામ ઝોનમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવા માટે પ્રયાસ કરી રહી છે.
આ ઝુંબેશમાં પાંચ ટીમ દ્વારા તમામ પ્રકારના ફૂડ બિઝનેસ ઓપરેટરો જેવા કે હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી એકમો, સુપર માર્કેટ, ઉત્પાદન કરતાં એકમો, સ્ટોરેજ-કોલ્ડ સ્ટોરેજ, ફરસાણ, બેકરી પ્રોડક્ટસ, હોકર્સ વગેરે એકમોની તપાસ હાથ ધરવામાં આવશે. જેમાં પેઢીની હાઈજેનિક કન્ડિશન, ઉપયોગમાં લેવાતી કે સ્થળ પર ઉત્પાદન કરાતી ખાદ્યચીજોનું સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ તપાસવામાં આવશે તેમજ જરૂર પડયેથી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા સ્થળ પર જ ખાદ્યચીજોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવશે.
ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ફૂડ બિઝનેસ ઓપરેટરો પાસેથી ચેકિંગ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવશે તેમજ અખાદ્ય કે વાસી ખોરાકનો જથ્થો નાશ કરવાની કામગીરી કરવામાં આવશે તેમજ પેઢીને નોટિસ આપી ફૂડ બિઝનેસ ઓપરેટર પાસેથી સ્થળ પર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે તેમજ જનઆરોગ્યને હાનિકારક તથા અનહાઈજેનિક કન્ડિશન ધરાવતા એકમોને સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ફૂડ વિભાગ દ્વારા આ કામગીરી ઝુંબેશ સ્વરૂપે સતત ચાલુ રહેશે, તેમ અંતમાં જાણવામાં આવેલ.
ભેળસેળ આતંકી ષડયંત્ર જેટલું જ મોટુ પાપ : મેયર
મેયર ડો. નેહલ શુક્લએ ભેળસેળિયા તત્વો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની સરખામણી સીધી આતંકીઓ સાથે કરી દીધી હતી. તેમણે કડક શબ્દોમાં વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય કે જિંદગી સાથે રમત રમીને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો કોઈ આતંકી ષડયંત્ર જેટલું જ મોટું પાપ કરી રહ્યા છે. આ પ્રકારની રાષ્ટ્રવિરોધી અને માનવતાવિરોધી પ્રવૃત્તિ હવે ચલાવી લેવામાં નહીં આવે. આગામી 1 વર્ષ સુધી RMC નો ફૂડ વિભાગ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના સતત કડક કાર્યવાહી ચાલુ રાખશે, જેથી આવા તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય.
રિપોર્ટમાં વિલંબ નહી થાય, ખાસ વ્યવસ્થા કરાશે
આ અભિયાન અંતર્ગત માત્ર હોટલ કે રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ તૈયાર ખાદ્ય ખોરાકથી લઈને રોજિંદા વપરાશના અનાજ સુધીના તમામ નાના-મોટા વેપારીઓને ત્યાં નમૂના લેવામાં આવશે. ઉપરાંત, ભૂતકાળમાં સેમ્પલના રિપોર્ટ આવવામાં થતા વિલંબને નિવારવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ ખૂબ જ ઝડપથી નમૂનાનું પરિક્ષણ (ટેસ્ટિંગ) થાય અને તેનો રિપોર્ટ ત્વરિત જાહેર થાય તે માટેની વિશેષ વહીવટી કાર્યવાહી અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી ગુનેગારો સામે ઝડપથી કાયદાકીય સકંજો કસી શકાય.
જનતાને લડતમાં સહકાર આપવા આહવાન
મહાનગરપાલિકાની આ લડત માત્ર તંત્ર પૂરતી સીમિત ન રહેતા લોકભાગીદારી વધે તે માટે મેયર દ્વારા રાજકોટની જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. તેમણે નાગરિકોને આહવાન કર્યું છે કે જો તેમની આસપાસ કે શહેરમાં ક્યાંય પણ ભેળસેળ કરતા લેભાગુ તત્વો સક્રિય હોય અથવા તો ખોરાકમાં ભેળસેળ થતી હોવાની કોઈ શંકાસ્પદ માહિતી મળે, તો તુરંત જ તેની જાણ RMC ના તંત્રને કરવામાં આવે. લોકો દ્વારા આપવામાં આવતી માહિતીના આધારે તંત્ર દ્વારા તાત્કાલિક દરોડા પાડીને કડક પગલાં ભરવામાં આવશે.


