છૂટાછેડાની શંકાએ લોહિયાળ અંત
તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો, કહી નાનાજી સસરાની હત્યા
ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલો પ્રેમ પાંચ મહિનામાં વિખૂટોઃ પત્નીથી દૂર થયા બાદ વિવેકગીરીએ નાનાજી-નાનીજીને જવાબદાર માની ઘરમાં ઘૂસી હુમલો કર્યો, નાનીજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ફરી એકવાર સંબંધોના વિખવાદે કરુણ અને ચોંકાવનારો વળાંક લીધો છે. ઇન્સ્ટાગ્રામ મારફતે થયેલી મિત્રતા અને ત્યારબાદ કોર્ટ મેરેજ સુધી પહોંચેલો પ્રેમ સંબંધ અંતે એક વૃદ્ધના જીવ સાથે પૂર્ણ થયો છે. યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલા વિમલનગરમાં રવિવાર મોડી રાત્રે બનેલી ઘટનામાં 23 વર્ષીય વિવેકગીરી પ્રકાશગીરી ગોસ્વામીએ પોતાની પત્નીના નાનાજી પ્રવિણભાઈ શાહની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી, જ્યારે વચ્ચે પડેલા નાનીજી ઇલાબેન શાહને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિવેકગીરીને એવી શંકા હતી કે તેની પત્ની દિયા સાથે છૂટાછેડા કરાવવામાં નાનાજી-નાનીજી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ જ રોષ અને મનદુઃખે તેને હત્યા જેવા ગંભીર પગલાં સુધી પહોંચાડ્યો હોવાનું પોલીસ માની રહી છે.
મૂળ વેરાવળના ભાલકા તીર્થનો રહેવાસી અને હાલ રાજકોટમાં પી.જી.માં રહેતો વિવેકગીરી અગાઉ મોબાઇલ રિપેરિંગનું કામ કરતો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો સંપર્ક રાજકોટની દિયા પટેલ સાથે થયો હતો. મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થતાં બંનેએ સપ્ટેમ્બર-2025માં કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે લગ્નજીવન લાંબું ટકી શક્યું નહોતું. લગ્નના માત્ર પાંચેક મહિનામાં જ બંને વચ્ચે મતભેદો શરૂ થયા અને દિયા પતિનો સાથ છોડીને માતા તથા નાના-નાની પાસે રહેવા આવી ગઈ હતી.
દિયા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિમલનગરમાં પોતાના નાના પ્રવિણભાઈ અને નાની ઇલાબેન સાથે રહેતી હતી. આ દરમિયાન વિવેકગીરીના મનમાં એવી માન્યતા ઘેરાઈ ગઈ હતી કે દિયાને પોતાની પાસેથી દૂર રાખવા અને છૂટાછેડા તરફ ધકેલવામાં તેના નાના-નાનીનો હાથ છે. આ શંકાએ ધીમે ધીમે રોષનું રૂપ ધારણ કર્યું હતું.
પોલીસ તપાસ મુજબ રવિવાર મોડી રાત્રે વિવેકગીરી વિમલનગર પહોંચ્યો હતો. તેણે પોતાના એક મિત્રને એવું કહ્યું હતું કે તે પત્નીને મળવા જઈ રહ્યો છે. મિત્રના બાઈક પર તે ઘટનાસ્થળ સુધી આવ્યો હતો. ત્યારબાદ મિત્ર ત્યાંથી નીકળી ગયો હતો. વિવેકગીરીએ મકાનની વંડી ઠેકીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સીધો બેડરૂમ સુધી પહોંચી ગયો હતો.
રાત્રિના દોઢથી બે વાગ્યાની વચ્ચે પ્રવિણભાઈ અને ઇલાબેન ઊંઘમાં હતા ત્યારે વિવેકગીરીએ બંનેને જગાડી દીધા હતા. પોલીસ ફરિયાદ મુજબ તેણે ઉશ્કેરાયેલા સ્વરે કહ્યું હતું કે, “તમે મારા અને દિયાના છૂટાછેડા કરાવવામાં બહુ રસ લો છો, આજે તમને જીવતા નહીં છોડું.” ત્યારબાદ તેણે પ્રવિણભાઈને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા અને છરી વડે આડેધડ હુમલો શરૂ કર્યો હતો.
પતિને બચાવવા દોડી આવેલા ઇલાબેન પર પણ આરોપીએ દયા દાખવી નહોતી. તેમના માથા, ડોક, ખભા અને હાથ પર છરીના અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પડોશીઓએ પરિવારજનોને જાણ કરી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે પ્રવિણભાઈ શાહને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઇલાબેનની સારવાર ચાલુ છે.
ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પરંતુ ડી-સ્ટાફ અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે માધાપર ચોકડી નજીકથી વિવેકગીરીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી હુમલામાં વપરાયેલી છરી પણ કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આરોપી સતત એક જ વાતનું રટણ કરતો રહ્યો હતો કે દિયાના નાના-નાની તેના લગ્નજીવનને તોડવા માગતા હતા. એટલું જ નહીં, તેણે હત્યા કર્યાનો કોઈ અફસોસ પણ વ્યક્ત કર્યો ન હોવાનું તપાસકર્તાઓએ નોંધ્યું છે. છરી ચોટીલા તરફથી લાવ્યાનો દાવો પણ તેણે કર્યો હતો, જે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ બનાવે ફરી એકવાર દર્શાવ્યું છે કે સંબંધોમાં વધતી અસહિષ્ણુતા અને શંકાની માનસિકતા કેટલી ભયાનક સ્થિતિ સર્જી શકે છે. પ્રેમથી શરૂ થયેલી એક કહાની અંતે હત્યા સુધી પહોંચી જતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે. યુનિવર્સિટી પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


