પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
અઢી મહિના ફીશિંગ બંધના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ રાજય સરકારની કાર્યવાહી
અગ્ર ગુજરાત, વેરાવળ
રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ અને માછલીઓના પ્રજનન સમયગાળાને ધ્યાનમાં રાખી દર વર્ષે ફિશિંગ પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધ દરમિયાન પણ કેટલાક તત્વો ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરતા હોવાની માહિતી મળતા ગીર સોમનાથ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર માછીમારી કરતી એક યાંત્રિક બોટને ઝડપી પાડી તેના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મત્સ્યોદ્યોગ કમિશ્નર, ગાંધીનગરના પરિપત્ર અનુસાર 1 જૂનથી 15 ઓગસ્ટ 2026 સુધી દરિયામાં યાંત્રિક બોટ દ્વારા માછીમારી કરવા તથા માછલીઓના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ સૂચનાઓ આપી હતી.
ગેરકાયદે માછીમારી કરતી બોટ ઝડપાઈ આ સૂચનાઓના અનુસંધાને એસ.ઓ.જી. (SOG) શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પીએસઆઈ આર.એચ. સુવાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ભીડિયા બંદર સ્થિત એફ.ટી.ડી. (FTD) જેટી નજીક દરિયાકાંઠે “વિઠ્ઠલ પ્રસાદ” નામની અને IND-GJ-32-MO-838 રજીસ્ટ્રેશન નંબર ધરાવતી યાંત્રિક બોટ પ્રતિબંધ હોવા છતાં દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરતી ઝડપાઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બોટના માલિક દ્વારા સરકારના પ્રતિબંધિત સમયગાળા દરમિયાન નિયમોનો ભંગ કરીને માછીમારી કરવામાં આવી રહી હતી. આથી બોટ માલિક સંજય દિનેશભાઈ ગોહેલ (ઉંમર વર્ષ 32, રહે. ભીડિયા, વેરાવળ) સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો/સુધારા-2020 હેઠળ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ દરિયાઈ સંપત્તિના સંરક્ષણ માટે જાહેર કરાયેલા પ્રતિબંધનો કડક અમલ કરાવવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રહેશે. આ કાર્યવાહીથી માછીમાર સમાજમાં કડક સંદેશો ગયો છે કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન નિયમોનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.


