રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો
અંધશ્રદ્ધા અને કુરીતિ ત્યાગનો સંકલ્પ , “વેદ તરફ પાછા વળો” યુવા પેઢીને સાંસદ રૂપાલાની હાકલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમના વિશાળ હોલમાં ધર્મ પ્રેમી સજ્જનોની ભરચક હાજરીમાં વૈદિક મહાસભા નો વેદ મહોત્સવ અતિ ભવ્યતા સાથે સંપન થયો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ત્યાગ વલ્લભ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ વેદ મહોત્સવમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ વી.પી. વૈષ્ણવ જળક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ સુવાગિયા, ગુરુદ્વારાના પ્રબંધક હરિસિંહ સુચરીયા, કન્યા કેળવણીકાર ગોવિંદભાઈ ખુંટ , મોરબીના મહેશભાઈ ભોરણીયા, ટંકારા આર્ય સમાજના દેવજીભાઈ પડસુમિયા પોરબંદર આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, રાજકોટ આર્ય સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર, દેશના અગ્રણી વિજ્ઞાની ડો. જે. જે. રાવલ વગેરે એ આ જ્ઞાન સભામાં હાજરી આપીને સતત ચાર કલાક સુધી બેસીને શ્રવણ કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં આપણા 11 ઉપનિષદો પૈકી પ્રથમ ઉપનિષદ ઈશાવાસ્યમ ઉપનિષદના ગુજરાતી ભાષાંતરના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ આશીર્વચન પાઠવતા સ્વામી ત્યાગવલ્લભ સ્વામી એ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને અનુરોધ કર્યો હતો કે માત્ર પ્રવચનો સાંભળીને ધન્ય નથી થવાનું પરંતુ એ જ્ઞાન આપણા આચરણમાં ઉતારવું જરૂરી છે.
સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ પોતાના પ્રતિભાવમાં હોલમાં મોટી સંખ્યામાં શાંતિથી પ્રવચન સાંભળી રહેલી કન્યા છાત્રાઓ અને યુવાનોને હાકલ કરી હતી કે “વેદ તરફ પાછા વળો “એ સૂત્ર તાત્કાલિક અપનાવી લો અને તમારું જીવન સરળ સફળ અને સમાજ ઉપયોગી બનાવો. તેમણે વૈદિક મહાસભાને આ અભિયાન ઝડપથી આગળ વધે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
મંચનુંસંચાલન યુવાપેઢીના પ્રતિનિધિ એવા બહેન દીપિકા પરમાર તથા અજયભાઈ ઢોલરીયા એ કર્યું હતું અંતમાં વૈદિક મહાસભાના અગ્રણી વાલજીભાઈ ઢોલરીયા એ સર્વે આમંત્રિતો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને શાંતિ પાઠ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.


