ઓવરટેકની અદાવતમાં એસટી બસ પર પથ્થરમારો, ડ્રાઇવર લોહીલુહાણ
હડાળા પાસે એક્સેસ ચાલકે બસનો પીછો કરી હુમલો કર્યો; માથામાં ત્રણ ટાંકા આવ્યા, સરકારી ફરજમાં રૂકાવટ સહિત ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-મોરબી હાઇવે પર હડાળા નજીક ઓવરટેક કરવાની બાબતે થયેલી તકરાર બાદ એક બાઇકચાલકે એસટી બસના ડ્રાઇવર પર પથ્થરમારો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. હુમલામાં બસની બારીનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઇવરના માથામાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સરમા (ઘેડ) ગામના રહેવાસી અને એસટી નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સંજયભાઇ રમણીકભાઇ સોનરાત (ઉ.વ. 39) તા. 11ના રોજ બાંટવા ડેપોની અંજાર-બાંટવા રૂટની બસ ચલાવી રહ્યા હતા. તેમની સાથે કંડકટર તરીકે વિરેન્દ્રકુમાર મુળુભાઇ ભુવા પણ હાજર હતા. સવારના સમયે બસ હડાળા ગામના પાટિયા નજીક પહોંચી ત્યારે એક્સેસ બાઇક (નં. GJ-03-PH-0254)ના ચાલક સાથે ઓવરટેક મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બસ આગળ નીકળી ગઈ હતી, પરંતુ બાઇકચાલકે બસનો પીછો ચાલુ રાખ્યો હતો.
થોડા સમય બાદ ગૌરીદળ ગામ નજીક સ્પીડબ્રેકર આવતા બસની ગતિ ધીમી પડી હતી. તે દરમિયાન બાઇકચાલક ફરી બસ પાસે આવી પહોંચ્યો અને ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી તથા ગાળાગાળી કરવા લાગ્યો હતો. પરિસ્થિતિ વણસતા ડ્રાઇવરે બસને રસ્તાની સાઇડમાં ઉભી રાખી હતી.
આ દરમિયાન ઉશ્કેરાયેલા બાઇકચાલકે રોડ પરથી મોટો પથ્થર ઉઠાવી બસ તરફ ફેંક્યો હતો. પથ્થર બસની ડાબી બાજુની બારીનો કાચ તોડી સીધો ડ્રાઇવર સંજયભાઇના માથાના પાછળના ભાગે વાગ્યો હતો. હુમલાથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને બસમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમના માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં બસની બારીને પણ નુકસાન થતાં અંદાજે રૂ. 2,500નું નુકસાન થયું હતું.
પ્રાથમિક સારવાર બાદ સંજયભાઇ પોતાના વતન પરત ગયા હતા. ત્યારબાદ રાજકોટ આવી તેમણે કંડકટર અને પરિવારજનોની હાજરીમાં બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જે. ગોહેલે ગુનો નોંધી એક્સેસ બાઇકના નંબરના આધારે આરોપીની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.


