મોટા દડવામાં વ્યાજખોરોની દાદાગીરીનો કહેર
પૈસાની માંગણીમાં પરિણીતા સાથે નિર્લજ્જ હરકત, વેપારીના પુત્ર પર હુમલો
રૂ.2 લાખના કરજ સામે રૂ.3 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.9 લાખની ગેરકાયદે ઉઘરાણીનો આરોપ; મનીલેન્ડિંગ એક્ટ સહિત ગંભીર કલમો હેઠળ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક વેપારી પરિવાર પર વ્યાજખોરોની ત્રિપુટીએ આતંક મચાવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. આરોપ છે કે ઉઘરાણીના નામે ઘરે પહોંચી ગયેલા શખ્સોએ પરિણીત મહિલા સાથે નિર્લજ્જ વર્તન કર્યું હતું, જ્યારે બાદમાં દુકાને ધસી જઈ તોડફોડ કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે મોટા દડવા ગામે રહેતા 63 વર્ષીય વેપારીએ આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જીજ્ઞેશ વિનુ જાદવ, અજય હરેશ પરમાર અને જીજ્ઞેશ મનસુખ પરમાર નામના ત્રણ શખ્સોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. પોલીસે મનીલેન્ડિંગ એક્ટ, નિર્લજ્જ હુમલો તેમજ અન્ય ગંભીર ગુનાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ વેપારીનો પુત્ર અગાઉ આરોપી જીજ્ઞેશ જાદવ પાસેથી રૂ.2 લાખ વ્યાજે લાવ્યો હતો. આ રકમ સામે રૂ.3 લાખ જેટલી ચુકવણી પણ કરી દેવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓ વધુ રૂ.9 લાખની માંગણી કરી સતત દબાણ કરતા હોવાનું સામે આવ્યું છે.
ગત દિવસોમાં વેપારીનો પુત્ર ઘેર હાજર ન હતો ત્યારે ત્રણેય આરોપીઓ તેના ઘરે પહોંચી ગયા હતા. ઘરમાં એકલી રહેલી પુત્રવધુને પુત્ર ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી. મહિલા દ્વારા પતિ ઘરે ન હોવાનું જણાવતાં એક આરોપીએ તેનું બાવડું પકડી સાડી ખેંચી અશોભનીય હરકત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાએ બૂમાબૂમ કરતા ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં બપોરના સમયે ત્રણેય શખ્સો પાઇપ અને ધોકા જેવા સાધનો સાથે વેપારીની કરિયાણાની દુકાને ધસી આવ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે ફરીથી રૂ.9 લાખની માંગણી કરી દુકાન ખાલી કરી દેવાની ધમકી આપી હતી. વેપારીએ પુત્રે તમામ રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવાનું જણાવતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
આરોપ છે કે ત્રણેય શખ્સોએ દુકાનમાં તોડફોડ મચાવી કાચની બરણીઓ અને પાણીનો જગ ફોડી નાખ્યો હતો. દરમિયાન એક આરોપીએ વેપારીના પુત્ર પર ઈંટ વડે હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી. હોબાળો સાંભળી પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ફરિયાદ મુજબ જતાં જતાં આરોપીઓએ વેપારીના પુત્રને જ્યાં મળશે ત્યાં મારી નાખવાની ખુલ્લી ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ આટકોટ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરી છે. પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.


