રાજુલાના કોવાયામાં યુવકનો શિકાર કરનાર ૪ સિંહો મોડી રાત્રે પાંજરે પુરાયા
સાવજોને પાંજરે પૂરતા ગ્રામજનોને રાહત મળી
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે તાજેતરમાં એક પરપ્રાંતિય યુવકને સિંહો દ્વારા ફાડી ખાઈ તેનું માથું ધડથી અલગ કરી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વનવિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. ગત મોડી રાત્રે વનવિભાગની ટીમ દ્વારા એક મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૪ જેટલા શંકાસ્પદ સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. સિંહો પાંજરે પુરાતા જ સ્થાનિક ગ્રામજનોએ મોટી રાહત અનુભવી છે. મૃતક યુવકની બાજુમાં જ આ ચાર સિંહો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. જેથી શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજુલા આરએફઓ ડી.કે. મકવાણા સહિતના વનવિભાગના સ્ટાફે રાત્રિના સમયે જ ઓપરેશન પાર પાડ્યું હતું. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાંજરે પુરાયેલા તમામ સિંહોના બ્લડ અને અન્ય સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ કયો સિંહ માનવભક્ષી છે તે અંગેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે.


