રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ
૭૫૦, ૬૦૦ અને 3૦૦ મેટ્રિક ટનની ક્રેન અને ૭૫ માનવબળ તૈનાત : ગરનાળુ નિર્માણ થતા ફાટકમાંથી વાહન ચાલકોને મળશે મુકિત
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યો અંતર્ગત ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ સ્ટેશનના દ્વિતીય પ્રવેશદ્વાર (સેકન્ડ એન્ટ્રી)ના વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ યાર્ડમાં આવેલા લેવલ ક્રોસિંગ સંખ્યા 125 ને નાબૂદ કરવાનું મહત્વપૂર્ણ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે. આ લેવલ ક્રોસિંગના સ્થાને સડક વાહનવ્યવહારને અવરોધરહિત, સુરક્ષિત અને સુગમ બનાવવા માટે રોડ અંડર બ્રિજ (ગરનાળા) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ સ્ટેશન યાર્ડમાં રોડ અંડર બ્રિજનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી પ્રગતિ પર છે. આ પરિયોજના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિકસાવવામાં આવી રહેલા રાજકોટ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના પૂર્ણ થવાથી સ્ટેશન સુધી પહોંચવું વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિયોજના અંતર્ગત અત્યાધુનિક “કટ એન્ડ કવર” ટેકનિકના માધ્યમથી પ્રીકાસ્ટ આરસીસી (RCC) બોક્સનું લોન્ચિંગ અને સ્થાપન કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકની નજીક મર્યાદિત કાર્યસ્થળ હોવા છતાં અને રેલ પરિવહનને અસર કર્યા વિના કાર્ય પૂર્ણ કરવાના પડકારને જોતાં, અત્યંત ઉચ્ચ ક્ષમતા ધરાવતી ક્રેનની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ મહત્વપૂર્ણ પરિયોજના હેઠળ તાજેતરમાં જ આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટ માટે મેગા ટ્રાફિક અને પાવર બ્લોક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. નિર્ધારિત બ્લોક સમયગાળા દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા ભારે મશીનરી અને મોટી સંખ્યામાં માનવબળ તૈનાત કરવામાં આવ્યું હતું.
કાર્યસ્થળ પર 750 મેટ્રિક ટન, 600 મેટ્રિક ટન અને 300 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી ત્રણ અત્યાધુનિક હેવી ક્રેન, ચાર હાઇધ્રોલિક એક્સ્કેવેટર, સાત ડમ્પર/ટીપર તેમજ આશરે 75 કુશળ અને અકુશળ શ્રમિકો સાથે ઇજનેરો અને સુપરવાઇઝરોની ટીમને તૈનાત કરવામાં આવી હતી. તમામ વિભાગોના સંકલિત પ્રયાસોથી આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટનું કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ પરિયોજના પૂર્ણ થયા બાદ રાજકોટના શહેરવાસીઓને રેલવે ફાટક પર થતા ટ્રાફિક જામ અને અવરોધોમાંથી મુક્તિ મળશે. સાથે જ સડક વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, સુગમ અને ઝડપી બનશે. આ ઉપરાંત, સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી મળશે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકો બંનેને લાંબાગાળાનો લાભ થશે.
રાજકોટના ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યોને તબક્કાવાર રીતે આગળ ધપાવવામાં આવી રહ્યા છે. લેવલ ક્રોસિંગ સંખ્યા 125 ના સ્થાને નિર્માણ પામનારો રોડ અંડર બ્રિજ માત્ર સડક વાહનવ્યવહારને વધુ સુરક્ષિત અને અવિરત નહીં બનાવે, પરંતુ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તાર સુધીની પહોંચને પણ સરળ બનાવશે. આ પરિયોજના મુસાફરોની સુવિધા, સુરક્ષા અને આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.


