એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ
તારા મા-બાપે કોઇ સંસ્કાર જ આપ્યા નથી તું અમને ભટકાઇ ગઇ છો કહી મેણાટોણા માર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
મહિલા સશક્તિકરણ સામે વિરોધ સામે આવ્યો છે. કંડકટરની નોકરી મળતાં જ પુત્રવધૂને ત્રાસ આપતાં પતિ અને સાસુ-સસરા સામે શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાને રસોઇ બાબતે તથા કંડકટર તરીકે નોકરી મળતા આ વાત સાસરિયાને પસંદ ન પડતા ત્રાસ આપતા હતાં.
બનાવ અંગે હાલ જેતપુરમાં નરસંગ ટેકરી ભાદરના સામાકાંઠે વિસ્તારમાં રહેતા લતાબેન (ઉ.વ. 29) નામની પરિણીતાએ ગોંડલમાં ભગવતપરા દોમડીયા સોસાયટી ચબુતરાવાળી શેરીમાં રહેતા પતિ સાગર અશોકભાઈ ખીમસુરીયા, સસરા અશોકભાઈ અને સાસુ શારદાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે એમએસડબલ્યુ સુધી અભ્યાસ કર્યો છે. ગઇ તા. 13/11/2017 ના સાગર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો.
બાદમાં સાસુ શારદાબેન રસોઈ બનાવવા બાબતે મેણાં ટોણા મારતા હતા અને અવારનવાર તું અમને ભટકાઈ ગઈ છું. તેમ કહી હેરાન કરતા હતા સસરા અશોકભાઈને વાત કરતા તેઓ પણ કહેવા લાગ્યા હતા કે, તને તારા મા-બાપ કોઈ સંસ્કાર જ આપ્યા નથી તારામાં કોઈ ધડો જ નથી તેમ કહી ત્રાસ આપતા હતા. બાદમાં આ બાબતે પતિ સાગરને કહેતા તેને ચૂપ કરાવી માતા-પિતાનો સાથ આપ્યો હતો પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હોય જેથી માતા-પિતા સાથે વાત કરતા ડર લાગતા તે આ બધુ મુંગામોઢે સહન કરતી હતી.
લગ્નના પાંચ વર્ષ સુધી કોઈ સંતાન ન થતાં જે બાબતે સાસુ-સસરા અવારનવાર સંભળાવતા હતા અને પતિ સાગરને બીજા લગ્ન કરી લેવા સલાહ આપતા હતા વર્ષ 2023 માં જાન્યુઆરી માસમાં પરિણીતાને પ્રસુતિ કરવા માટે માતા-પિતાના ઘરે આવી હતી બાદમાં 19/4/2023 ના દીકરાનો જન્મ થયો હતો. છઠ્ઠીના દિવસે સાસરીયાઓ ઘરે આવ્યા હતા ત્યારે સાગરને થોડા દિવસ માટે જેતપુરમાં સાથે રહેવાની વાત કરી હતી.
જેથી તે ગુસ્સે થયો હતો અને ઝઘડો કરી બધા જતા રહ્યા હતા. તેણીને તેડી જવા માટે કહેવા છતાં છ મહિના સુધી તેડવા આવ્યા ન હતા. જેથી પરિણીતાએ જેતપુર કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. એકાદ મહિના બાદ પતિ ઘરે આવી સમાધાન કરી પત્ની અને બાળકને તેડી ગયો હતો જેથી તેણે ભરણપોષણની અરજી પાછી ખેંચી લીધી હતી.
વર્ષ 2025 માં પરિણીતાને કંડકટર તરીકે નોકરી મળતા જે બાબત સાસુ-સસરા તથા પતિને ગમતી ન હતી જેથી નોકરી કરવા બાબતે મેણા મારતા હતા અને ન બોલવાનું બોલતા હતા. ગઈ તા.16/4/2026 ના રાત્રીના સાસુ-સસરા તેના પતિને નોકરી ન કરવા દેવા માટે જણાવતા હતા. જેથી ઝઘડો કરી માથાકૂટ કરવા લાગ્યા હતાં. જેથી તે દિવસે કંટાળી પરિણીતાએ પિતાને ફોન કરતા જેથી માતા-પિતા અને નાનો ભાઈ વિશાલ તેડવા માટે આવ્યો હતો અને જેતપુર લઈ ગયા હતા.
ત્યારબાદથી પરિણીતા માતા-પિતાના ઘરે જ છે અને હાલ પરણીતા સગર્ભા હોય અને સાત માસનો ગર્ભ છે છતાં સાસરિયાંઓ તેડવા ન આવતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી હતી.


