ભેંસાણમાં પ્રમાણિકતાનો પ્રમાણભૂત કિસ્સો
ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ
જૂના ગાદલાને ભરવા અને સીટ કવરનું કામ કરવા દુકાને આપતા નીકળ્યું ૮ તોલા સોનું
અગ્ર ગુજરાત, જૂનાગઢ
આજના સમયમાં જ્યારે નાની એવી રકમ માટે પણ લોકો ઈમાનદારી ભૂલી જતા હોય છે, ત્યારે જૂનાગઢના ભેંસાણમાં એક સામાન્ય પિંજારાએ લાખો રૂપિયાનું સોનું મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાની મિસાલ કાયમ કરી છે. જૂનું ગાદલું પીંજતી વખતે તેમાંથી નીકળેલા 12 લાખ રૂપિયાના ઘરેણાં પરત કરનાર પિંજારાનું સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
આ પ્રેરણાદાયી કિસ્સાની વિગતો અનુસાર, ભેંસાણમાં રહેતા જીકરભાઈ ઈસ્માઈલભાઈ પરમાર ગાદલા ભરવા તેમજ સીટ કવરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દુકાને ભેંસાણના જ રહીશ પરસોત્તમભાઈ ભાયાણી પોતાના જુના ગાદલા બનાવવા માટે આપી ગયા હતા. ગાદલા આપતી વખતે પરસોત્તમભાઈને ખ્યાલ ન હતો કે તેમાં લાખો રૂપિયાનું સોનું છે.
જ્યારે જીકરભાઈએ કામ માટે ગાદલું ખોલ્યું, ત્યારે તેમને જાણે કોઈ સ્વપ્ન જોતા હોય તેમ તેમાંથી વર્ષો પહેલા મૂકીને ભુલાઈ ગયેલા 8 તોલા સોનાના ઘરેણાં મળી આવ્યા હતા. આ ઘરેણાંની હાલના સમયમાં આશરે 12 લાખ રૂપિયા જેટલી કિંમત થવા જાય છે.
એક સાથે આટલા બધા સોનાના ઘરેણાં જોઈને જીકરભાઈ શરૂઆતમાં ચોંકી ગયા. પરંતુ, સહેજ પણ લાલચમાં આવ્યા વિના તેમણે તાત્કાલિક પરસોત્તમભાઈને જાણ કરી અને આ તમામ મુદ્દામાલ તેમને સુરક્ષિત પરત કરી દીધો હતો.
અગાઉ પણ ૧૦ હજાર ગ્રાહકને પરત કર્યા’તા
નોંધનીય છે કે, જીકરભાઈ માટે પ્રામાણિકતાનો આ પહેલો કિસ્સો નથી. તેમણે પ્રામાણિકતાને પોતાના એક કાયમી ગુણ તરીકે અપનાવી લીધી છે. આ 12 લાખના દાગીના પહેલા પણ તેમને એક વ્યક્તિના 10 હજાર રૂપિયા મળ્યા હતા, જે તેમણે મૂળ માલિકને બોલાવીને પરત આપી દીધા હતા.
વિવિધ સમાજ દ્વારા સન્માન
જીકરભાઈની આ નિઃસ્વાર્થ પ્રામાણિકતાની ચારેકોર ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેમના આ સત્કાર્યની કદર કરતા, સમસ્ત ભેંસાણ પટેલ સમાજે જીકરભાઈને ખાસ સુરત બોલાવ્યા અને ત્યાં યોજાયેલા તેમના સમાજના પ્રોગ્રામમાં સ્ટેજ પરથી જાહેરમાં સન્માન પત્ર આપીને તેમને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, જીકરભાઈના આ પ્રેરણાદાયક કાર્યને સર્વે મુસ્લિમ સમાજ તેમજ ઝાલોરી પિંજારા સમાજે પણ ખૂબ બિરદાવ્યું છે.


