રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
ભાવિકોને કથાશ્રવણ,શિવપૂજન,તીર્થયાત્રામાં જોડાવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગીતા મંદિરના સત્સંગ મંડળ તથા ભાવિક દર્શનાર્થીઓના મનોરથપૂર્તિ હેતુ કારતક માસમાં દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં સામૂહિક શિવમહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. નૂતન વર્ષના મંગળ દિવસોમાં પાવન તીર્થધામમાં આયોજિત આ કથામાં વક્તાપદે ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતા સંગીતમય શૈલીમાં આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને શિવપુરાણના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશે.તેમજ શુદ્ધ કથા, મૂળ-શાસ્ત્રોક્ત કથાની ત્રણ પેઢીની પરંપરાને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવશે. આ શિવકથામાં શિવમહિમા, શિવપૂજન, સતીચરિત્ર, શિવ વિવાહ, ગણેશ ચરિત્ર,દ્વાદશ જ્યોતિલિંગ ચરિત્ર,મહિષાસુર વધ વગેરે વિવિધ કથાપ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે.તેમજ રાત્રી ભજન સત્સંગનું પણ આયોજન કરેલ છે તા.૨૦ થી ૨૬ નવેમ્બર દરમ્યાનની આ સામૂહિક કથાયાત્રામાં યાત્રિકોના નામ અને સ્વજનોના આત્મકલ્યાણાર્થે કથાના પાટલા-પોથીજીના યજમાનના નામ નોંધાય છે. આ પાવન આયોજનમાં કથાશ્રવણ, પોથીપૂજન, દીપદાન,શિવપૂજનનો લ્હાવો લેવા આ કથાયાત્રામાં જોડાવા સૌ ભાવિકો, વૈષ્ણવોને, મહિલા સત્સંગ મંડળ, ધૂન-ભજન મંડળના સર્વે બહેનોને તથા પોથીજીના યજમાન થવા સર્વે ભાવિકોને સંસ્થાએ અનુરોધ કર્યો છે.આ કથાયાત્રામાં જોડાનાર સર્વે યાત્રિકો માટે કથાસ્થળ, નિવાસ,ભોજનની ઉચિત વ્યવસ્થા કરેલ છે.


