સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ
વિવિધ રમતના નિષ્ણાંતો દ્વારા ખેલાડીઓને અપાતું કોચિંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 19 થી 25 દરમિયાન સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કોચિંગ કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના પ્રથમ નાગરિક તથા મેયર ડૉ. નેહલભાઈ શુક્લા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરેશ રાબા, કેમ્પના કોઓર્ડિનેટર ડૉ. ભાવેશ રાબા, કાર્યક્રમ સંચાલક ડૉ. એમ. એસ. ચારણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમર કોચિંગ કેમ્પમાં વિવિધ 16 રમતોના 200થી વધુ ખેલાડી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે ખેલાડીઓની પ્રતિભાને વધુ નીખારવા, તેમને ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરાવવા માટે આ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે રમતગમત ક્ષેત્રે આધુનિક અને સુસજ્જ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે તથા ભવિષ્યમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓના સફળ આયોજન માટે યુનિવર્સિટી સંપૂર્ણપણે સક્ષમ છે.
આ પ્રસંગે કુલપતિએ મેયર ડૉ. નેહલભાઈ શુક્લાનું શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું હતું. મેયરે પોતાના સંબોધનમાં તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે સતત મહેનત, અનુશાસન અને સમર્પણ દ્વારા ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધારશે. તેમણે ખેલાડીઓને પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી.
સમર કોચિંગ કેમ્પને સફળ બનાવવા માટે કોચ તરીકે ડૉ. ભાવેશ રાબા, ડૉ. પૂનમ જુડાસિયા, ડૉ. એચ. આર. ભાલીયા, અકીલ મુસાગરા, કૃષ્ણા જોશી, ચિંતનભાઈ રાવલ તેમજ શારીરિક શિક્ષણ વિભાગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત વિભાગીય અધિકારી શ્રી કે. કે. બાવળા અને સમગ્ર સ્ટાફે પણ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ સાત દિવસીય સમર કોચિંગ કેમ્પ દરમિયાન ખેલાડીઓને વિવિધ રમતોમાં નિષ્ણાત કોચોના માર્ગદર્શન હેઠળ વિશેષ તાલીમ આપવામાં આવશે, જે તેમના રમતગમતના કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.


