ચાતક નજરે રાહ જોતા ગુજરાતીઓની આતુરતાનો અંત
હાશ! ગુજરાતમાં ગુરૂવારથી ચોમાસાની વિધિવત એન્ટ્રી
મહારાષ્ટ્રમાં રોકાયા બાદ આગળ વધ્યું : તેલંગણા, છત્તીસગઢ અને બિહારમાં મેઘરાજાનું આગમન
ભાવનગર, અમરેલી સહિત નવ તાલુકામાં સવારથી વરસાદ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં પડ્યો છે.
હવામાન વિભાગે આજે (23 જૂન) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે.
દરિયામાં ઊંચા મોજાં અને પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોએ દરિયો ન ખેડતા સૂચના આપી છે. હાલ રાજ્યમાં તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારે 4થી 6 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ઉમરગામ સહિતના વિસ્તારોમાં 17 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય બફારા અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ચોમાસુ આવ્યું તો ખરા પરંતુ જૂન મહિનામાં તો અત્યારે ભારે વરસાદ હોય.પરંતુ ચોમાસુ મોડુ આવવાથી જૂન મહિનો છેલ્લા 100 વર્ષનો સૌથી સુકો મહિનો સાબિત થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ 4 જૂનથી 22 જૂન વચ્ચે દેશમાં સરેરાશ 97.6 મીમી વરસાદ થવો જોઈતો હતો પરંતુ તેની સામે માત્ર 53.1 મીમી વરસાદ જ નોંધાયો છે. એટલે કે દેશમાં અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારો હજુ પણ કોરાકટ અથવા અતિ અલ્પ વરસાદની શ્રેણીમાં છે.ત્યારે આવો જાણીએ ક્યાં કેટલી ઘટ છે.


