રેલવે સેફ્ટીમાં યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓનું સન્માન
કર્મચારીઓની સજાગતાથી મોટા અકસ્માતો ટળ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પાંચ રેલવે કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરીરાજ કુમાર મીના દ્વારા ડીઆરએમ ઓફિસ, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિગ્નલ વિભાગ અને ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગ સાથે સંકળાયેલા આ કર્મચારીઓને ફેબ્રુઆરી અને માર્ચ 2026 દરમિયાન ફરજ પર અસાધારણ સતર્કતા, જાગરૂકતા અને જવાબદારીનો પરિચય આપીને સંભવિત રેલ અકસ્માતો નિવારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સન્માનિત કર્મચારીઓમાં નવીન કુમાર (લોકો પાયલટ/ગુડ્સ, હાપા), સુનીલકુમાર સિંહ (લોકો પાયલટ/ગુડ્સ, હાપા), દિલીપ ગોહિલ (લોકો પાયલટ/ગુડ્સ, હાપા), દ્વારિકા પ્રસાદ (લોકો પાયલટ/ગુડ્સ, હાપા) અને કાનાભાઈ પી. એમસીએફ (સિગ્નલ), હેડક્વાર્ટર-રાજકોટનો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ ફરજ દરમિયાન અસાધારણ સતર્કતા દાખવીને કેટલીક મહત્વપૂર્ણ તકનીકી khામીઓ સમયસર શોધી કાઢી હતી. માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન (knuckle pin) તૂટી હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક રીપેર કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલા ટીઆરડી (TRD) ના ‘Z-બોન્ડ’ ને હટાવીને ફરી તેને યોગ્ય સ્થાને સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ટ્રેક સર્કિટને સામાન્ય કરવામાં આવી હતી. ત્યારબાદ કર્મચારીઓએ આરપીએફ (RPF) અને ટીઆરડી કંટ્રોલ સાથે સંકલન સાધીને ઘટના સ્થળનું દસ્તાવેજીકરણ (ડોક્યુમેન્ટેશન) કરાવ્યું હતું અને રેલ માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે સેફ્ટીપૂર્વક ખુલ્લો કરાવ્યો હતો. આ કર્મચારીઓની સતર્કતા અને ઝડપી કામગીરી રેલવે સેફ્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પ્રસંગે ડીઆરએમ ગિરીરાજ કુમાર મીનાએ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તેમની સતર્કતા, ઝડપી નિર્ણય શક્તિ અને કર્તવ્યનિષ્ઠા સમગ્ર ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે અને રેલવે સેફ્ટીને સર્વોચ્ચ અગ્રતા આપવાની દિશામાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) બ્રિજેશ કુમાર સિંહ, સીનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર (Sr. DSO) રમેશ ચંદ મીણા, સીનિયર ડિવિઝનલ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર (Sr. DSTE) પંકજ કુમાર બંસલ અને સીનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) (Sr. DEE/TRO) મનોજ કુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા.


