જંગલેશ્વર ડિમોલેશનમાં શાહી મીજબાની માણતા અધિકારીઓ : ૨૭ લાખનું બીલ પેન્ડિંગ
ચાર દિવસમાં કાજુ કતરી, ખજૂર રોલ સહિતની મીઠાઇઓ ઝાપટી, અધિકારીઓ અને બાબુઓ માટેની ગુજરાતની શાહી થાળી પીરસાઇ : સ્ટેન્ડિંગમાં બીલને પેન્ડિંગ રાખતા ચેરમેન : ૯ દરખાસ્તમાંથી ૧ નામંજૂર અને ૨ હોલ્ટમાં, ૭ને મંજૂરી
શંકાશીલ બીલ લાગતાં પેન્ડિંગમાં રખાઇ, તપાસના આદેશ : ચેરમેન પીપળીયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં 3૫૦૦થી વધુ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. આ ફરજ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ૨૭ લાખનું ફૂડ ઝાપટી ગયા હોવાનું બીલ આજે સ્ટેન્ડિંગમાં મૂકવામાં આવ્યું હતું. જે બીલ શંકાસ્પદ લાગતાં પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને તપાસના આદેશ અપાયા છે.
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 3૫૦૦થી વધારે કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. જેની ફૂડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઇ હતી. ચાર દિવસ સુધી ચાલેલી આ કામગીરી દરમિયાન કર્મચારીઓના ભોજનનો ખર્ચ પણ તંત્રએ ઉઠાવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ચાર દિવસની કામગીરી દરમિયાન ખાવા-પીવાનો ખર્ચ ૨૭ લાખ જેટલો થયો હોવાનું બીલ કોર્પોરેશનમાં મુકવામાં આવ્યું હતું. આ બીલ અંગે શંકા ઉપજતાં આજે સ્ટેન્ડિંગમાં બીલને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ કમિટીનો રિપોર્ટ આવી જતાં આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કાજુ-કતરી અને ખજૂર રોલનો ઉલ્લેખ બીલમાં કરવામાં આવ્યો છે. આવા સંવેદનશીલ સમયે પણ અધિકારીઓ અને કર્મચારીઓને મીઠાઇ ખાવાની શું જરૂર પડી તે અંગેના ખુલાસા પણ પુછવામાં આવ્યા છે.
ડિમોલેશન દરમિયાન અધિકારીઓએ ૨3૧ રૂપિયાની એક નંગ આવે તેવી કાજુ કતરી ઝાપટી હતી. તેમજ આરાધના ટી-સ્ટોલની ૬.3૦ લાખની ચા-કોફી અને બિસ્કીટ પણ પલાળીને પી ગયા હતાં. ૨૧ હજાર કપ ચા અને ૪૦૦૦ બોટલ લીંબુ સરબતની પણ ગટગટાવી ગયા છે. આ અંગેના સમાચારો શહેરભરમાં વાયરલ થતાં ડિમોલેશનના ભોગ બનેલા લોકોમાં પણ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે આજની સ્ટેન્ડિંગમાં ટોટલ ૯ દરખાસ્ત આવી હતી. જેમાંથી ગ્રીન અર્બન પોલીસીની દરખાસ્તને પણ હાલ નામંજૂર કરવામાં આવી છે. ખોટા ખર્ચાઓને મહત્વ નહી આપવા પદાધિકારીઓએ પહેલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.


