ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ
નવીનીકરણમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીના સ્મશાન ગૃહના રિપેરિંગ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ વરિષ્ઠ આગેવાને મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે આ કામમાં હલકુ અને ગુણવતા વિહિન કામ થયું છે. ભાજપના નેતાઓએ આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી હોવા છતાં, બેફામ બનેલા કોન્ટ્રાક્ટરે શાસક પક્ષના નેતાઓને પણ ગણકાર્યા નથી. ત્યારે સવાલ એ થાય છે કે ધોરાજીમાં જનપ્રતિનિધિઓનું શાસન છે કે કોન્ટ્રાક્ટર રાજ એ સવાલ ઊભો થઈ રહ્યો છે. ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલું અને શહેરનું એકમાત્ર કૈલાશ ધામ સ્મશાન ગૃહ હાલ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ભારે વિવાદમાં સપડાયું છે. સ્મશાન ના નવીનીકરણ માં લોટ પાણી અને લાકડા જેવું કામ થયું છે.
સ્થાનિક પ્રબુધ્ધ નાગરિકો અને અને ધારાશાસ્ત્રીઓએ જ્યારે આ સ્મશાન ગૃહની રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે ત્યાં ચાલી રહેલી કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. આ સ્મશાન ગૃહના સમારકામ અને નવીનીકરણ માટે અંદાજે ₹81 લાખ જેવી મબલખ રકમ મંજૂર કરવામાં આવી હતી. આ રકમમાંથી બેલાની દીવાલો, થાંભલાઓ અને અન્ય સ્ટ્રક્ચરનું કામ કરવાનું હતું. પરંતુ ધોરાજી નગરપાલિકા તંત્રની રહેમનજર હેઠળ કોન્ટ્રાક્ટરે લોટ પાણી ને લાકડા જેવું કામ કરીને સરકારી નાણાંનો ધુમાડો કર્યો હોવાના આક્ષેપ સાથે મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરાયા હતા.
આ ગંભીર આક્ષેપો વચ્ચે આજે ધોરાજી ભાજપના વરિષ્ઠ અગ્રણી મીડિયા સમક્ષ આવીને આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતનો ખુલ્લો સ્વીકાર કર્યો છે. ધોરાજી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી, પૂર્વ નગરસેવક, વિપક્ષી નેતા અને વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રહી ચૂકેલા જણાવ્યું કે, સ્મશાન ગૃહની નબળી કામગીરી બાબતે ધોરાજી નગરપાલિકાના ભાજપના જ સદસ્યોએ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને ધારદાર રજૂઆતો કરી હતી, તેમજ ઉચ્ચ સ્તરે પણ ફરિયાદો મોકલાઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલી રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટરે શાસક પક્ષના સદસ્યો કે આગેવાનોને દાદ દીધી નહોતી અને પોતાની મનમાની ચાલુ રાખી ભ્રષ્ટાચારનો ખુલ્લો દોર ચાલુ રાખ્યો હતો. હવે સ્થાનિક જનતામાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પણ ભાજપના છે, છતાં એક કોન્ટ્રાક્ટર આટલો બેફામ કઈ રીતે હોઈ શકે? શું તંત્ર પરથી નેતાઓની પકડ છૂટી ગઈ છે કે પછી કોઈ મોટા માથાઓના આશીર્વાદથી આ ‘કોન્ટ્રાક્ટર રાજ’ ચાલી રહ્યું છે? આગામી સમયમાં આ પવિત્ર સ્મશાન ગૃહના કામમાં ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરાશે કે પછી મામલા પર પડદો પાડી દેવાશે, તે જોવું રહ્યું.


