ગોંડલનો આશાપુરા અને સેતુબંધ ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાશે
સત્તાધીશો દ્વારા નીરના વધામણા કરાયા
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલની જીવાદોરી સમાન આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમને આગામી 7 થી 8 દિવસમાં નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. ગોંડલ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી અને પુષ્પોની વર્ષા કરીને વિધિવત રીતે નર્મદા મૈયાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.
ગોંડલના લોકપ્રિય ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અથાગ અને સતત પ્રયાસોના પરિણામે ગોંડલ શહેરને નર્મદાના નીર ફાળવવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિક લોકોમાં અને નગરપાલિકા તંત્રમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.
ગોંડલ નગરપાલિકા દ્વારા આશાપુરા ડેમમાંથી સેતુબંધ ડેમમાં પાણી પહોંચાડવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હાઈટેક પંપ કાર્યરત કરવામાં આવ્યો છે. આ હાઈટેક પંપ દ્વારા દર કલાકે 2.5 લાખ લીટર પાણી સેતુબંધ ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે.
આ વ્યવસ્થાથી શહેરના વોર્ડ નં. 3 અને 4 ના વિસ્તારો જેવા કે ભગવતપરા, SRP કેમ્પ વિસ્તાર, અને કોટડા સાંગાણી રોડના સ્થાનિક રહીશોને પૂરતા પ્રેશરથી અને નિયમિત પાણી પૂરું પાડી શકાશે.
નર્મદા નીરના વધામણાંના આ શુકનવંતા પ્રસંગે નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, વોટર વર્ક્સ ચેરમેન સલીમભાઈ ચૌહાણ, પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સખીયા તેમજ નગરપાલિકાના અન્ય સદસ્યો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના આ આયોજનથી ગોંડલ શહેરમાં ઉનાળાની સિઝનમાં પણ પાણીની કોઈ તંગી નહીં રહે તેવો વિશ્વાસ સત્તાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.


