ડિજિટલ ઠગોને મોટો ઝટકો
ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
છેતરપીંડીની રકમ પાંચ દિવસમાં શેડો-રિવર્સલ કરવી ફરજિયાત : 1 જાન્યુઆરી-2027થી નવા નિયમો અમલમાં
અગ્ર ગુજરાત, મુંબઈ
દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન છેતરપીંડીના બનાવોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ક્રેડિટ કાર્ડ ધારકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહકના ક્રેડિટ કાર્ડ દ્વારા છેતરપીંડીભર્યું ટ્રાન્ઝેક્શન થાય અને ગ્રાહક સમયસર તેની જાણ કરે, તો સંબંધિત બેંક અથવા કાર્ડ જારી કરનાર સંસ્થાએ પાંચ દિવસની અંદર તે રકમનું ‘શેડો-રિવર્સલ’ કરવું પડશે.
RBI દ્વારા જાહેર કરાયેલા આ નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે. નવા નિયમોનો મુખ્ય હેતુ છેતરપીંડીનો ભોગ બનેલા ગ્રાહકોને તાત્કાલિક રાહત આપવાનો અને તેમની ઉપર વ્યાજ કે દંડનો બોજ ન આવે તેની ખાતરી કરવાનો છે. નિયમ મુજબ, કોઈ પણ ફ્રોડ ટ્રાન્ઝેક્શન અંગે ગ્રાહક પાંચ દિવસની અંદર બેંક અથવા કાર્ડ ઈસ્યુ કરનાર સંસ્થાને જાણ કરશે તો તેને વળતર મેળવવાનો અધિકાર મળશે. બેંક દ્વારા કરવામાં આવતું શેડો-રિવર્સલ ગ્રાહકના ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં દેખાશે, પરંતુ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહક તે રકમનો ઉપયોગ કરી શકશે નહીં. તેમ છતાં, આ રકમને બાકી લેણું ગણવામાં આવશે નહીં અને તેના પર કોઈ વ્યાજ કે પેનલ્ટી પણ વસૂલવામાં આવશે નહીં.
ફ્રોડની તપાસ પૂર્ણ થયા બાદ જો છેતરપીંડી સાબિત થાય તો સંબંધિત રકમ કાયમી ધોરણે ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. RBIના આ નિર્ણયથી લાખો ક્રેડિટ કાર્ડ ધારકોને મોટી સુરક્ષા મળશે અને ફ્રોડના બનાવોમાં આર્થિક નુકસાનનો ભાર ઘટશે. નવી વળતર વ્યવસ્થા મુજબ, રૂ. 50,000 સુધીની છેતરપીંડીની ફરિયાદમાં ગ્રાહકને કુલ નુકસાનના 85 ટકા અથવા વધુમાં વધુ રૂ. 25,000 સુધીનું વળતર આપવામાં આવશે. ખાસ કરીને જો નુકસાનની રકમ રૂ. 29,412થી ઓછી હોય તો તેમાં RBI, ગ્રાહકની બેંક અને લાભાર્થી બેંક વચ્ચે જવાબદારી વહેંચાશે.
રિઝર્વ બેંકે ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ પણ કરી છે. હવે ક્રેડિટ કાર્ડ પરથી રૂ. 500થી વધુના દરેક ટ્રાન્ઝેક્શન અંગે ગ્રાહકને તાત્કાલિક SMS અથવા અન્ય એલર્ટ મોકલવું ફરજિયાત રહેશે. જેથી કોઈ શંકાસ્પદ લેવડદેવડ અંગે ગ્રાહક ઝડપથી સાવચેત થઈ શકે. નાણાકીય નિષ્ણાતોના મતે RBIના આ નવા નિયમો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત કરશે અને બેંકોને પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની ફરજ પડશે.
શું છે ‘શેડો-રિવર્સલ’?
ફ્રોડની ફરિયાદ મળ્યા બાદ બેંક દ્વારા સંબંધિત રકમ ગ્રાહકના ક્રેડિટ કાર્ડ ખાતામાં અસ્થાયી રીતે દર્શાવવામાં આવે છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહક તેનો ઉપયોગ કરી શકતો નથી, પરંતુ તેના પર વ્યાજ કે દંડ લાગતો નથી.
ક્યારે મળશે રકમની રાહત?
ફ્રોડની જાણ ગ્રાહકે 5 દિવસમાં કરવી પડશે
બેંકે 5 દિવસમાં શેડો-રિવર્સલ કરવું પડશે
તપાસ બાદ ફ્રોડ સાબિત થાય તો રકમ કાયમી જમા થશે
વળતરની મુખ્ય જોગવાઈ
રૂ. 50,000 સુધીના નુકસાન માટે નિયમ લાગુ
નુકસાનના 85% સુધી વળતર
વધુમાં વધુ રૂ. 25,000ની ચૂકવણી
સમયસર ફરિયાદ કરવી જરૂરી
રૂ. 29,412થી ઓછી નુકશાનીમાં કોણ કેટલો ભાર વહન કરશે?
RBI : 65 ટકા
ગ્રાહકની બેંક : 10 ટકા
લાભાર્થી બેંક : બાકીની રકમ
ગ્રાહકો માટે નવી સુરક્ષા
રૂ. 500થી વધુના દરેક ટ્રાન્ઝેક્શનનો SMS એલર્ટ
શંકાસ્પદ લેવડદેવડની તાત્કાલિક જાણ શક્ય
ઓનલાઈન ફ્રોડ સામે વધુ સુરક્ષા
ક્રેડિટ કાર્ડ વપરાશમાં પારદર્શિતા વધશે


