રાજકોટ જિલ્લાના ધાર્મિક સ્થળોનો વિકાસ કરાશે, સરકારે રકમ ફાળવી
યાત્રાધામના ડેવલોપમેન્ટ માટે રૂ.3.૨૮ કરોડના પ્રકલ્પોને મંજૂરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના યાત્રાધામોને વધુ સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર સક્રિય બની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ, ડાંગ, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લાના ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂપિયા 3.28 કરોડના પ્રકલ્પોને મંજૂરી આપી છે.
ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રવાસન અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર સતત સક્રિય અને કટિબદ્ધ જોવા મળી રહી છે. રાજ્યમાં આવેલા સુપ્રસિદ્ધ અને સ્થાનિક શ્રદ્ધાના કેન્દ્રો સમાન યાત્રાધામોનો સુનિયોજિત વિકાસ કરવા અને ત્યાં આવતા લાખો ભક્તોની સુખ-સુવિધામાં વધારો કરવાના આશય સાથે સરકારે વધુ એક મોટો અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પવિત્ર યાત્રાધામોના વિકાસ સંલગ્ન વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને નવીન કાર્યોને સત્તાવાર રીતે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. સરકારના આ મક્કમ પગલાથી આગામી દિવસોમાં ધાર્મિક પ્રવાસનને મોટો વેગ મળશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અંતર્ગત ગુજરાતના ભૌગોલિક રીતે મહત્વના એવા ૬ મુખ્ય જિલ્લાઓના યાત્રાધામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત અને પ્રકૃતિના ગોદમાં વસેલા ડાંગ જિલ્લાના પવિત્ર સ્થાનો, સૌરાષ્ટ્રમાં રંગીલું રાજકોટ અને તેની આસપાસના ધાર્મિક કેન્દ્રો, મધ્ય ગુજરાતમાં હેરિટેજ સિટી અમદાવાદ અને સંસ્કારી નગરી વડોદરા જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામો. આ તમામ નિયત કરાયેલા જિલ્લાઓમાં શ્રદ્ધાળુઓની સંખ્યા અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાઓનો વ્યાપક વિકાસ કરવામાં આવશે.


