કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ
રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત; કારચાલક વાહન મૂકી ફરાર
અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ જિલ્લામાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ભીમ અગિયારસ નિમિત્તે કેરીનો રસ લેવા નીકળેલા દંપતી અને તેમના માસૂમ પુત્રને પરત ફરતી વખતે કારચાલકે અડફેટે લેતાં ગૃહિણીનું કરૂણ મોત થયું હતું, જ્યારે પતિ અને નાનકડો પુત્ર ઈજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત બાદ કારચાલક સ્થળ પર વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ત્રંબા ગામના ગઢકા રોડ પર આવેલી ગોલ્ડ કોઈન સોસાયટીમાં રહેતા અને ખાનગી કારખાનામાં નોકરી કરતા 34 વર્ષીય ભાવેશભાઈ ધીરૂભાઈ બાંભણીયા ગુરુવારે સાંજે પત્ની નીશાબેન (ઉ.વ. 32) અને ત્રણ વર્ષના પુત્ર કાનાને સાથે લઈ એક્ટિવા પર કેરીનો રસ તેમજ ઘરવખરીનો સામાન લેવા ગયા હતા. ખરીદી પૂર્ણ કરીને પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા અને કાળીપાટ વચ્ચે આવેલી ખોડિયાર હોટલ નજીક પહોંચતા જ રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય રસ્તાની બાજુએ ફંગોળાઈ ગયા અને ગંભીર ઈજાઓને કારણે બેભાન થઈ ગયા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે નીશાબેનને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ભાવેશભાઈ અને તેમના પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માત સર્જનાર કાર (જીજે-03-એનએફ-3065)નો ચાલક ઘટના બાદ વાહન સ્થળ પર જ મૂકી નાસી છૂટ્યો હતો. હોસ્પિટલ ચોકીથી મળેલી જાણના આધારે આજીડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતકના સસરા ધીરૂભાઈ રાણાભાઈ બાંભણીયાની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ બાંભણીયા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે ભીમ અગિયારસના પર્વે બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.


