કેન્દ્રીય શિક્ષણ મંત્રી સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિમંડળની મુલાકાત
શિક્ષક અને ઉચ્ચ શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ શિક્ષક સમાજ અને શિક્ષણ જગતની મુખ્ય ચિંતાઓ અને અપેક્ષાઓથી તેમને અવગત કરાવ્યા હતા.
બેઠક દરમિયાન વર્ષ 2010 પૂર્વે નિમણૂક પામેલા શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET)ની ફરજિયાતતા અંગેનો મુદ્દો વિશેષરૂપે ઉઠાવવામાં આવ્યો હતો. પ્રતિનિધિમંડળે શિક્ષક સમાજની ચિંતાઓ, કાનૂની તથ્યો, કુદરતી ન્યાયના સિદ્ધાંતો તેમજ માનવીય પાસાઓને વિસ્તૃત રીતે રજૂ કરતાં વિનંતી કરી હતી કે લાંબા સમયથી સેવારત શિક્ષકોના હિતોનું રક્ષણ થાય તે રીતે આ મુદ્દે ન્યાયસંગત, વ્યવહારુ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવે.
પ્રતિનિધિમંડળે વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન વિધેયક-2025 અંગે પણ મહાસંઘના સૂચનો અને અપેક્ષાઓ મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા. ચર્ચા દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં સંસ્થાકીય સ્વાયત્તતા, ગુણવત્તા વિકાસ, શિક્ષક હિતોનું સંરક્ષણ, પારદર્શિતા અને જવાબદારી, રાજ્યો તથા વિવિધ હિતધારકોની ભાગીદારી, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મહાસંઘે સૂચન કર્યું હતું કે પ્રસ્તાવિત વિધેયકને એવું સ્વરૂપ આપવામાં આવે જે ભારતીય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને વધુ સક્ષમ, સર્વસમાવેશક, જવાબદાર અને રાષ્ટ્રહિતકારી બનાવી શકે.
બેઠકમાં ઉચ્ચ શિક્ષણ અને શિક્ષકો સાથે સંકળાયેલા વિવિધ પેન્ડિંગ પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS)માં આવતી મુશ્કેલીઓ, પીએચ.ડી. માટે કાર્યરત શિક્ષકો સમક્ષ ઊભી થતી સમસ્યાઓ, સંશોધન પ્રોજેક્ટ અને સંશોધન અનુદાનની ઉપલબ્ધતા, ખાસ કરીને કોલેજો અને નાના રાજ્ય યુનિવર્સિટીઓના શિક્ષકો માટે સંશોધન તકોના વિસ્તરણ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં માળખાકીય સુવિધાઓ અને માનવ સંસાધનોની જરૂરિયાત, ખાલી જગ્યાઓની તાત્કાલિક ભરતી, સંસ્થાકીય સ્વાયત્તતા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા સાથે રજૂ કર્યા હતા. મહાસંઘે આ તમામ વિષયો પર જરૂરી નીતિગત હસ્તક્ષેપ અને સમયબદ્ધ ઉકેલની માંગણી કરી હતી.
મહાસંઘના પ્રતિનિધિમંડળમાં અધ્યક્ષ પ્રો. નારાયણલાલ ગુપ્તા, મહામંત્રી પ્રો. ગીતા ભટ્ટ, સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, સહ સંગઠન મંત્રી જી. લક્ષ્મણ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ મહેન્દ્રકુમાર, વિદ્યાલય શિક્ષા પ્રભારી શિવાનંદ સિંદનકેરા તથા અતિરિક્ત મહામંત્રી મોહન પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.


