જંગલેશ્વર ડીમોલેશન ખર્ચના એક-એક બિલની થશે તલસ્પર્શી તપાસ, ગેરરીતિ સાબિત થશે તો રિકવરી : મ્યુ.કમિશનર
મેયરની સૂચનાથી સ્વતંત્ર તપાસ સમિતિ રચાશે ; 1500થી વધુ મકાનોના ડીમોલેશન ખર્ચ અંગે ઉઠેલા સવાલોની નિષ્પક્ષ તપાસ થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડીમોલેશનના ખર્ચને લઈને ઉઠેલા પ્રશ્નો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ડીમોલેશન કામગીરીમાં થયેલા દરેક બિલ અને દરેક ખર્ચની તલસ્પર્શી તથા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો સંબંધિત જવાબદારો પાસેથી રિકવરી કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ થશે.
કમિશ્નરે જણાવ્યું હતું કે જંગલેશ્વરમાં અંદાજે 1500થી 1600 મકાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. આ અત્યંત વિશાળ કામગીરી હોવાથી ખર્ચ વધુ થવો સ્વાભાવિક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ખર્ચની ચકાસણી નહીં થાય. પ્રજાના પૈસાનો એક-એક રૂપિયો જવાબદારીપૂર્વક ખર્ચાયો છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે મેયરની સૂચનાથી વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં માત્ર પથિક પટેલ જ નહીં પરંતુ અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે, જેથી તપાસ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે થઈ શકે.
મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું કે જંગલેશ્વરનું ડીમોલેશન ચંડોળા તળાવ ખાતે થયેલી કામગીરી કરતાં પણ વધુ વિશાળ હતું. તેથી કામગીરીનું કદ મોટું હોવા છતાં ખર્ચ અંગે ઉઠેલા દરેક સવાલનો જવાબ દસ્તાવેજોના આધારે આપવામાં આવશે.
તુષાર સુમેરાએ ભારપૂર્વક કહ્યું કે “પ્રજાના પૈસામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. એક-એક ખર્ચની તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવશે અને જો કોઈ અધિકારી કે સંકળાયેલી વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” જંગલેશ્વર ડીમોલેશન ખર્ચને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહાનગરપાલિકાના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે તપાસ સમિતિના અહેવાલ પર સૌની નજર મંડાઈ છે.


