આંદોલનમાં પરત ફરતા ખેડૂત અગ્રણીનું નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ, હૂમલો
સાણંદના ડરણ ગામેથી પરત આવતા સમયે બનેલો બનાવ, છરી લાગતા હાથમાં ૧૮ ટાંકા : 3૦૦ ખેડૂતોનો પોલીસ સ્ટેશનનો ઘેરાવ, વિરોધ પ્રદર્શન
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક ખેડૂત અને સામાજિક આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સાણંદના ડરણ ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ, બે અજાણ્યા શખસ દ્વારા નંબર પ્લેટ વગરની કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાલુ કારે છરી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શૈલેષ મેરને હાથના ભાગે 18 ટાંકા આવ્યા છે અને હાલ તેઓ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સોમવારે શૈલેષ મેરના મોબાઈલ ફોન પર અજાણ્યા શખસોના ફોન આવ્યા હતા. ફોન કરનારે “તમે બહુ સારું અને પરિણામલક્ષી કામ કરી રહ્યા છો” તેમ કહીને તેમના વખાણ કર્યા હતા અને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 29 જૂન ને સોમવારે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ શૈલેષ મેર બાવળાથી પશુઓ માટે ખોળ ખરીદીને બાઈક પર પોતાના ઘરે કેરાળા પરત ફરી રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા.
શૈલેષભાઈ બાઈક પાર્ક કરીને કેરાળા-નળસરોવર રોડ પર આવેલી એક હોટેલ પાસે પહોંચ્યા ત્યારે, નંબર પ્લેટ વિનાની બ્રેઝા કાર લઈને આવેલા શખસોએ તેમને કહ્યું, “ગાડીમાં બેસી જાવ, આપણે નાસ્તો કરીને આવીએ.”
ઇજાગ્રસ્ત શૈલેષ મેરે જણાવ્યું કે, હું ગાડીમાં પાછળની સીટ પર બેઠો કે તરત જ તેમણે મારી બોચી પકડી લીધી હતી. મેં મારો બચાવ કરવા માટે ગાડીનું સ્ટીયરિંગ પકડી લીધું, જેના કારણે હુમલાખોરોએ મારા હાથ ઉપર ચાકુથી ઘા માર્યા. હુમલા દરમિયાન કાર ધીમી પડતાં જ હું દરવાજો ખોલીને બહાર કૂદી પડ્યો અને મારો જીવ બચાવ્યો હતો.
કારમાંથી કૂદી પડ્યા બાદ રોડ પરથી પસાર થતા એક રિક્ષાચાલકની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલાના કારણે તેમના પગમાં પણ ઈજાઓ થઈ છે. શૈલેષ મેરે આ હુમલા પાછળ ધારાસભ્યનો હાથ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
આ જીવલેણ હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ બાવળા પંથક સહિત સમગ્ર ખેડૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આંદોલનના સાથી આગેવાન પિન્ટુભાઈએ આરોપીઓને પકડવા માટે પોલીસને એક કલાકની ચીમકી આપી હતી.
મોડી રાત સુધી હુમલાખોરો ન પકડાતાં 300થી વધુ રોષે ભરાયેલા ખેડૂતો કેરાળા GIDC પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશનથી હટશે નહીં. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લાનો મોટો પોલીસકાફલો પણ કેરાળા જીઆઈડીસી પોલીસમથકે ઉતારી દેવામાં આવ્યો હતો.


