- ભારતીય મૂળના પરિવારોની સરેરાશ આવક 1.38 લાખ ડોલરથી વધુ
- અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતી માત્ર 1 ટકા છે
- અમેરિકી પરિવારની વાર્ષિક સરેરાશ આવક 69,717 ડોલર
અમેરિકી સાંસદ રિચ મેક્કોર્મિકે આ વર્ષના આરંભે કહ્યું કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતી માત્ર 1 ટકા છે, પરંતુ ટેકસ લગભગ 6 ટકા ભરે છે. એવામાં સવાલ ઊઠે છે કે આખરે અમેરિકામાં વસી રહેલા ભારતીયો કેટલું કમાય છે? જવાબ એ છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ કમાય છે, અમેરિકી કરતાં પણ વધુ.
હા,રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ કમાણી કરતો સમુદાય છે. ચીની, પાકિસ્તાની કે જાપાની મૂળના અમેરિકન્સ પણ તેમના કરતાં વધુ નથી કમાતા. અરે અમેરિકી નાગરિકો પણ ભારતીય મૂળના લોકો જેટલું નથી કમાતા.
અમેરિકન્સની આવક ભારતીયો કરતાં અડધી
અમેરિકી સરકારના અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતીય પરિવારની વાર્ષિક સરેરાશ આવક 1.38 લાખ ડોલર છે જ્યારે અમેરિકી પરિવારની વાર્ષિક સરેરાશ આવક 69,717 ડોલર છે. અર્થાત ભારતીય મૂળના લોકોની સરેરાશ આવક અમેરિકી કરતાં પણ બમણી છે. ભારતીય મૂળના લોકો પછી તાઇવાન મૂળના લોકો અમેરિકામાં સૌથી વધુ કમાય છે. તાઇવાની-અમેરિકી પરિવારની સરેરાશ આવક 1.17 લાખ ડોલર છે. ત્રીજા ક્રમે ફિલિપાઇન્સના પરિવારોની 96,83 ડોલર છે.
આવું કઈ રીતે ?
એક અંદાજ મુજબ અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતી લગભગ 48 લાખ છે. તે પૈકી 16 લાખથી વધુ વિઝા હોલ્ડર છે. 10 લાખ ભારતીય મૂળના લોકો એવા છે કે જેમનો જન્મ જ અમેરિકામાં થયેલો છે. ભારતીય મૂળના લોકોની ઊંચી આવકનું કારણ તેમની શૈક્ષણિક લાયકાત પણ હોઈ શકે છે. અમેરિકામાં વસી રહેલા 79 ટકા ભારતીય મૂળના લોકો સ્નાતકની પદવી ધરાવે છે. અમેરિકન્સની વાત કરીએ તો 28 ટકા અમેરિકન્સ જ સ્નાતકની પદવી ધરાવે છે.