જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત
સુસાઇડ નોટમાં વ્યક્ત કરી વ્યથા: વાડીના કુંવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના બોરડી સમઢીયાળા અને ખારચીયા ગામની સીમમાં આવેલા પવિત્ર રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ મંદિર પાસે આવેલ વાડીના કુવામાં કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ઘણા સમયથી મંદિરની સેવામાં સમર્પિત રહેલા મહંતે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેની વિગતો તેમની પાસેથી મળેલી ‘સુસાઈડ નોટ’ પરથી બહાર આવી છે, જેમાં બીમારીથી કંટાળીને આપધાત કર્યો હોવાનું જણાવ્યું છે.
આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર બગસરા રોડ પર બોરડી સમઢીયાળા અને ખારચીયા ગામની વચ્ચે આવેલા પવિત્ર રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ મંદિર પાસે આવેલ વાડીના કુવામાં કૂદીને આપઘાત કરી લેતા ભક્તોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મહંત કરસનદાસ બાપુએ આપધાત પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં આપઘાતનું કારણ અત્યંત હૃદયદ્રાવક છે. સુસાઈડ નોટમાં તેમણે પોતાના જીવનના છેલ્લા ૪૭ વર્ષનો ચિતાર આપ્યો છે. તેમણે લખ્યું છે કે, તેઓ ૪૭ વર્ષ પહેલાં પોતાનો પરિવાર છોડી સંન્યાસી બની ગયા હતા. મૂળ ટાટા મીઠાપુરના વતની અને વરીયા કુંભાર જ્ઞાતિમાં જન્મેલા મહંતે છેલ્લા ૪૫ વર્ષ રણુજા ધામ મંદિરની સેવા-પૂજામાં વિતાવ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા ૪૭ વર્ષથી તેમણે પોતાના પરિવારજનો સાથે કોઈ સંપર્ક રાખ્યો નહોતો અને પોતાનું સમગ્ર જીવન ઈશ્વર ભક્તિ અને સેવામાં અર્પણ કરી દીધું હતું.
સુસાઈડ નોટમાં આટલા મોટા પગલા પાછળનું મુખ્ય કારણ ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું છે. મહંતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ છેલ્લા દસ વર્ષથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા. શરીરમાં ફેલાયેલી આ બીમારીને કારણે થતું દર્દ હવે અસહ્ય બની ગયું હતું, જેને સહન કરવું તેમના માટે અશક્ય થઈ પડ્યું હતું. પોતાની વ્યથા ઠાલવતા તેમણે લખ્યું છે કે, શારીરિક પીડાથી કંટાળીને જ તેમણે આ અંતિમ માર્ગ પસંદ કર્યો છે.
મહંત કરસનદાસ બાપુએ તેમની પાછળ મંદિરની વ્યવસ્થા અને ગાદી માટે પણ મહત્વની સૂચના આપી છે. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, બોરડી સમઢીયાળાના સરપંચ તથા ટ્રસ્ટી મંડળે રણુજા ધામના નવા મહંત તરીકે ‘વડલ હનુમાન’ના સેવા પૂજારી રામદાસ બાપુની નિમણૂક કરવી. તેમણે પોતાની જવાબદારીઓ હવે રામદાસ બાપુને સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જેતપુર તાલુકા પોલીસ જાણ કરી હતી, જેતપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહંતના મૃતદેહને કુવા માંથી બહાર કાઢી પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અને તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટને કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો મહંતના અવસાનથી ભક્તોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. રણુજા ધામ ખાતે તેમના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે.


