ભેંસાણના વિશળ હડમતીયા ગામની શાળામાં ધો.૯ના વિદ્યાર્થીને ABCD બોલવાના ફાંફા
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ખૂલેલી પોલ: DEOના તપાસના આદેશ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
ગુજરાતભરમાં જ્યારે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે મોટા ઉપાડે ‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી સરકારી શિક્ષણના દાવાઓની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢની વિશળ હડમતીયા શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન જ સરકારી શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તાના લીરેલીરા ઊડી ગયા હતા.
અહીં ધોરણ-9 માં ભણતા એક વિદ્યાર્થીને સામાન્ય અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે ‘ABCD’ પણ લખતા કે બોલતા ન આવડતા હાજર અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
મળતી માહિતી મુજબ, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત જ્યારે ઉચ્ચ અધિકારીઓ વિશળ હડમતીયા શાળાની મુલાકાતે હતા, ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ધોરણ-9 ના એક વિદ્યાર્થીને સામાન્ય જ્ઞાન અને અંગ્રેજીના પાયાના અક્ષરો વિશે પૂછવામાં આવતા તે ઉત્તર આપી શક્યો ન હતો. માધ્યમિક શાળામાં પહોંચેલા વિદ્યાર્થીને પ્રાથમિક કક્ષાની ‘ABCD’ પણ ન આવડતી હોવાની બાબત સામે આવતા જ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આ ગંભીર બેદરકારી સામે આવતા જ જૂનાગઢ જિલ્લા મુખ્ય શિક્ષણ અધિકારી લતા ઉપાધ્યાયે તાત્કાલિક એક્શન મોડમાં આવીને કડક વલણ અપનાવ્યું છે. તેમણે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ માટે તાબડતોબ એક ખાસ તપાસ કમિટીની રચના કરી દીધી છે. શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર, આ કમિટીએ શાળાની મુલાકાત લઈ, શૈક્ષણિક કાર્યની ગુણવત્તા તપાસીને આગામી 3 દિવસમાં પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે. લતા ઉપાધ્યાયે સ્પષ્ટ ચીમકી આપી છે કે અહેવાલમાં જે પણ શિક્ષકો કે જવાબદારો કસૂરવાર જણાશે, તેમની સામે નિયમાનુસાર કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


