શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેના આંદોલનનો બીજો તબક્કો, સાંસદને આવેદન પાઠવી રજુઆત
વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માંગણી કરતુ શિક્ષક સંઘ
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વર્ષ–2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષક મિત્રોને TET પરીક્ષામાંથી મુક્તિ અપાવવા માટે રાજ્યવ્યાપી બીજા તબક્કાના આંદોલન અંતર્ગત “સાંસદ સંવાદ અને સાંસદ સમર્થન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટના પ્રતિનિધિમંડળે રાજકોટના લોકસભા સભ્ય અને દેશના વરિષ્ઠ જનપ્રતિનિધિ પરષોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી હતી.
પ્રતિનિધિમંડળ દ્વારા વર્ષ–2010 પહેલાં નિમણૂક પામેલા હજારો શિક્ષકોની વ્યથા, તેમની લાંબા સમયથી ચાલી આવતી ન્યાયસંગત માંગણી તથા TET મુક્તિ અંગેના તમામ કાનૂની, વહીવટી અને વ્યવહારુ પાસાઓને વિગતવાર રજૂ કરવામાં આવ્યા. શિક્ષકોએ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણકાર્ય કર્યું હોવા છતાં આજે પણ TET જેવી શરતનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમની સેવા, બઢતી અને કારકિર્દી સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. આ સમગ્ર સ્થિતિ અંગે પ્રતિનિધિમંડળે અત્યંત સંવેદનશીલતા અને તથ્યો સાથે રજૂઆત કરી.
સાંસદએ સમગ્ર રજૂઆતને અત્યંત ધીરજપૂર્વક અને આત્મીયતાથી સાંભળી હતી. અંદાજે 45 મિનિટથી વધુ સમય સુધી તેઓ સંગઠનના હોદ્દેદારો સાથે સતત ચર્ચામાં જોડાયેલા રહ્યા.માત્ર રજૂઆત સાંભળીને મર્યાદિત ન રહેતાં તેમણે શિક્ષકોના પ્રશ્નની ગંભીરતાને સ્વીકારી અને તેના યોગ્ય ઉકેલ માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો.
આ મુલાકાતનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ રહ્યું કે પરષોત્તમભાઈ રૂપાલા પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં જ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો. તેમણે શિક્ષક મિત્રોની લાગણી, તેમની ન્યાયસંગત માંગણી અને પ્રશ્નની ગંભીરતા અંગે વિસ્તૃત ચર્ચા કરીને શિક્ષકોના હિતમાં યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કર્યો. આ ઘટનાએ સમગ્ર પ્રતિનિધિમંડળમાં નવી આશા અને વિશ્વાસનું સંચાર કર્યું.


