હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોનો કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર
ભાજપ નેતાઓ સામે પણ આક્રોશ ઠાલવ્યો : તંત્રના વલણથી નારાજગી વ્યકત કરી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇનના પોલ ઉભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે 22થી વધુ ગામોના સરપંચો અને સૈંકડો ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, ખેડૂતો તંત્રના વલણથી અસંતુષ્ટ રહ્યા અને કલેક્ટર સાથેની બેઠકનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો. કચેરી પરિસરમાં “જય જવાન, જય કિસાન”ના નારા સાથે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ ખેડૂતોને સમજાવવા પહોંચ્યા હતા, પરંતુ સ્થિતિ વધુ તંગ બની હતી. ખેડૂતો દ્વારા એપીએમસી ચેરમેન રજની સંઘાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડિયા અને ભાજપ જિલ્લા મહામંત્રી તપન દવે સામે પણ આક્રોશ ઠાલવાયો હતો.
ખેડૂતોએ ચૂંટણી સમયે આવતા નેતાઓને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સમસ્યાનો ન્યાયસંગત ઉકેલ લાવવાની માગ કરી હતી. પરિસ્થિતિ એટલી તંગ બની કે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને તણાવનો માહોલ સર્જાયો.
આ મુદ્દે ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે વીજપોલો ખેતરમાથી પસાર થવાથી પાકને નુકસાન થશે તેમજ જમીનના ઉપયોગ પર પણ અસર પડશે. તેઓએ માંગ કરી છે કે યોગ્ય વળતર આપવામાં આવે અથવા લાઇનનું રૂટિંગ બદલવામાં આવે.


