રાજકોટ એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વિકસાવવા આરોગ્ય મંત્રીની માંગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદમાં રાજયના મિનિસ્ટરનું મહત્વપૂર્ણ સૂચન
અગ્ર ગુજરાત, રાજકોટ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યનું પ્રતિનિધિત કર્યું હતું.
16મી બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગુજરાત અને દેશના આરોગ્ય ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા.
આ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સારવાર સરળતાથી ઉપલબ્ધ બને તે માટે રાજકોટ સ્થિત એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સુવિધા વિકસાવવાની માંગણી કરી હતી. આ સુવિધા ઉપલબ્ધ થતાં રાજ્યના પશ્ચિમ વિસ્તારના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવારનો લાભ મળશે.
દેશમાં એન્ટિબાયોટિક દવાઓના વધતા અને અનિયંત્રિત ઉપયોગ અંગે પણ પ્રફુલ પાનશેરીયાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક્સના અતિરેક ઉપયોગને કારણે દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. તેથી દેશવ્યાપી સ્તરે એન્ટિબાયોટિક્સના જવાબદાર અને નિયંત્રિત ઉપયોગ માટે અસરકારક નીતિ તથા કડક અમલીકરણની જરૂરિયાત છે.
આ પ્રસંગે પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે સતત પ્રતિબદ્ધ છે અને કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત રહેશે.


