રાજકોટના પૂર્વ CP અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી
જી.એસ.મલિકને રાજયના પોલીસ વડા બનાવતા ખાલી પડેલી જગ્યા પર પોસ્ટિંગ અપાયું
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતના પોલીસ બેડામાં જ્યારે પણ કોઈ બાહોશ, કડક અને પ્રજાહિતની ચિંતા કરનારા અધિકારીઓનું નામ લેવાય, ત્યારે 1997ની બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતનું નામ મોખરે આવે છે. લાંબી ચર્ચાઓ અને અટકળો બાદ, આખરે રાજ્ય સરકારે તેમના પર ભરોસો મૂકીને અમદાવાદના નવા પોલીસ કમિશનર (CP) તરીકે તેમની નિમણૂક કરી દીધી છે. અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિકની ડીજીપી (DGP) તરીકે બઢતી થતાં આ જગ્યા ખાલી પડી હતી, જેનો ચાર્જ હવે ગેહલોત ખૂબ જ ટૂંક સમયમાં સંભાળવા જઈ રહ્યા છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને 1997ની બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવીને પ્રશંસનીય સેવાઓ આપી છે. આ નવી નિમણૂક સાથે IPS અનુપમસિંહ ગેહલોત જે ગુજરાતના એકમાત્ર એવા પોલીસ અધિકારી બન્યા છે, જેમણે રાજ્યના ચારેય મોટા મહાનગરોમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હોય… તેમની આ ઐતિહાસિક સફર પર નજર કરીએ તો તેઓ રાજકોટના પોલીસ કમિશનર તરીકે સફળ કામગીરી નિભાવી ચૂક્યા છે. ત્યારબાદ વડોદરાના કમિશનર તરીકે પણ તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરી હતી. મહાનગરો ઉપરાંત તેઓ રાજ્યની ગુપ્તચર પાંખ એટલે કે આઈબી (IB)ના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. અમદાવાદ આવતા પહેલાં તેઓ હાલ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત છે. હવે અમદાવાદની કમાન સંભાળતાની સાથે જ તેઓ ચારેય મહાનગરોના કમિશનરેટનું નેતૃત્વ કરનારા પ્રથમ અધિકારી બની ગયા છે.
અનુપમસિંહ ગેહલોત માત્ર ગુનેગારો માટે કડક નથી, પરંતુ સામાન્ય જનતા માટે અત્યંત દયાળુ અને મદદરૂપ થવાની ભાવના ધરાવતા લોકમૈત્રી અધિકારી છે. સામાન્ય લોકોની સમસ્યાઓ સાંભળવાની અને તેનો ત્વરિત નિકાલ લાવવાની તેમની આગવી કાર્યશૈલીને કારણે તેઓ પ્રજા અને પોલીસ તંત્ર બંનેમાં ભારે લોકપ્રિય છે. તેમની આ જ ક્ષમતા અને બહોળા અનુભવને કારણે તેઓ હંમેશાં રાજ્ય સરકારની પ્રથમ પસંદગી રહ્યા છે. વિવિધ નામોની ચર્ચા વચ્ચે આખરે સરકારે તેમના નામના આદેશ જાહેર કર્યા છે, જે અમદાવાદ શહેરની સુરક્ષા અને શાંતિ માટે એક મહત્વપૂર્ણ અને સકારાત્મક પગલું સાબિત થશે.


