રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ
શીમલા ટ્રીપના ઝઘડાનું સમાધાન કરવા બોલાવી માર માર્યાની ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ કોર્ટ કેમ્પસમાં જ વકીલ પતિએ પત્ની પર હુમલો કરતા ચકચાર મચી હતી. શીમલા ફરવા ગયેલા પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થયાં બાદ પરિણીતાને શીમલામાં એકલી મૂકી પતિ રાજકોટ પરત આવી ગયો હતો. બાદ સમાધાન અર્થે કોર્ટ ખાતે બોલાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં યુની. પોલીસે વકીલ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રેલનગરમાં જાડેજા ચોક નજીક ભાડાના મકાનમાં રહેતી 29 વર્ષીય પરિણિતા શિતલબેન પાટડીયાએ પતિ દીપેશભાઈ નવનીતભાઈ પાટડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણી છેલ્લા અઢી માસથી પતિ સાથે રહે છે. પતિ વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. 15 દીવસ પહેલા પતિ સાથે શિમલા તથા મનાલી ફરવા માટે ગયેલ હતી. જયા બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી.
જેથી પતિ તેણીને શિમલા ખાતે એકલી મુકી રાજકોટ પરત આવી ગયેલ હતા. બાદ તા.25 ના સવારના દશેક વાગ્યે તેણી ઘરે પરત આવેલ હતી. તેમના પતિ રાજલક્ષી સોસાયટી શેરી નં-4, મોરબી રોડ, રાજકોટ ખાતે રહે છે.
જે બાદ ગઈકાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ પતિએ વોટસએપ કોલ કરી કહેલ કે, આપણી વચ્ચે શીમલા ખાતે થયેલી બોલાચાલી-ઝઘડાનું સમાધાન કરી નાખીએ અને બન્ને પતિ-પત્ની સાથે રહીએ. જે બાબતે વાતચીત કરવાં પતિએ નવી કોર્ટ, રાજકોટ ખાતે બોલાવી હતી. જેથી પતિને મળવા કોર્ટ ખાતે ગયેલ હતી. બન્ને કોર્ટના પાર્કીંગમા વાતચીત કરતા હતા. ત્યારે પતિ તેના ફોનમાં મારો વિડીયો ઉતારતા હતા. જેથી તેણીએ પણ ફોનમાં વિડીયો ઉતારવાનુ ચાલુ કરતા પતિ ઉશ્કેરાય ગયેલ અને ગાળો આપવા લાગેલ હતો.
બાદ મારે કામ છે તેમ કહી ત્યાથી પોતાનુ બાઈક લઈને જતો હતો. જેથી તેણીએ બાઈકમાંથી ચાવી કાઢી લેતા પતિ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. જેથી રાડારાડી થતા માણસો ભેગા થઈ જતા વધુ મારમાથી બચાવેલ હતી. બાદ જો તુ મારા કે મારા પરીવાર વિરુધ્ધ ફરીયાદ કરીશ તો હું તારા ટાટીયા ભાંગી જાનથી મારી નાખીશ તેમ કહી પતિ જતો રહેલ હતો. જે બાદ પરિણીતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થઇ હતી. જે અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


