મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત
દેવપરામાં ‘બી.એમ. જ્વેલર્સ’ નામે પેઢી ચલાવતા તેજસ રાણપરાને રવિ, યશ, ભાયજી સહિત ૮ શખ્સો વારંવાર ધમકી આપતા હતા : માતાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ; પોલીસે તપાસનો ધમધમાટ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
કેવડાવાડીમાં રહેતાં સોની વેપારી તેજસભાઇ શિરીષભાઇ રાણપરા (ઉ.વ.૩૯)એ દેવપરામાં આવેલી પોતાની દુકાનમાં એસિડ પી આપઘાત કરી લીધાની ઘટનામાં પૈસાની ઉઘરાણી માટેનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત ૮ શખ્સો સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે. વેપારી આ શખ્સો સાથે સોનાના દાગીનાની લે-વેંચનો વેપાર કરતાં હતાં. પણ નુકસાની જતાં રકમ ચુકવી ન શકતાં વારંવાર ધમકીઓ અપાતી હતી. તેના કારણે પગલુ ભર્યાનું ખુલ્યું છે. પોલીસે એક સ્યુસાઇડ નોટ મળી હતી તેના આધારે કાર્યવાહી કરી છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે કેવડાવાડી-૧૫માં માસુમ પ્લે ગ્રુપ પાછળની શેરીમાં રહેતાં ગીતાબેન શિરીષભાઇ રાણપરા (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી મોરબીના હાર્દિક ભરતભાઇ ગોસ્વામી, મુંબઇ રહેતાં ભરત ગોસ્વામી, સુરતના વિનોદભાઇ, અરવિંદભાઇ ગઢવી તેમજ વિપુલભાઇ, રવિભાઇ, યશભાઇ, ભાઇજી નામના શખ્સો વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે.
ગીતાબેન રાણપરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચ વર્ષ પહેલા મારા બંને દિકરાઓ તેજસભાઇ અને રૂપેશભાઇએ દેવપરા શક્તિ હોટેલવાળી શેરીમાં બી.એમ.જ્વેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવતા હતા. મોટો દીકરો તેજસભાઇ દાગીનાની ખરીદ-વેચાણનું કામ કરતો હતો. વર્ષ ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં તેણે પરિવારને જણાવ્યું હતું કે તેણે મોરબીના હાર્દિકભાઈ ભરતભાઈ ગોસ્વામી અને તેમના પિતા ભરતભાઈ ગોસ્વામી પાસેથી સોનાના દાગીના ખરીદ્યા હતા, જેમાં ધંધામાં નુકસાન જતા ૨૦ લાખ રૂપિયા ચુકવવાના બાકી નીકળતા હતા. આ પૈસાની ઉઘરાણી કરવા આ બંને દુકાને આવી ધમકી આપે છે. જેથી પરિવારજનોએ તેને કટકે કટકે પૈસા ચુકવી આપવા કહ્યું હતું.
ત્યારબાદ હાર્દિકભાઈએ મુંબઈના સોનાના વેપારી વિનોદભાઈ સાથે ઓળખાણ કરાવી આશરે ૩૦ લાખના દાગીના મંગાવ્યા હતા, જેના નાણાં ચુકવવા માટે તેજસભાઇએ સુરતના અરવિંદભાઈ ગઢવી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જો કે, વિનોદભાઈએ પુરતો માલ ન મોકલતા વેપારનું આખું રોટેશન ફરી ગયું હતું. આ સિવાય અન્ય શખ્સો વિપુલભાઈ, રવિભાઈ, યશભાઈ અને ભાયજી નામના વ્યક્તિઓ સાથે પણ સોનાના દાગીનાની ખરીદ-વેચાણના કારણે નાણાંકીય લેણદેણ ઊભી થઈ હતી.
તેજસભાઇએ આ તમામને કટકે-કટકે નફા સાથે રકમ ચુકવી હોવા છતાં તેઓ વધુ નાણાંની માંગણી કરતા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ગત દિવસોમાં મોરબીના ભરતભાઈ ગોસ્વામી અને કાંતિભાઈ નામના શખ્સો રાજકોટ ખાતે તેજસભાઇની દુકાને આવ્યા હતા અને ઉઘરાણી બાબતે બોલાચાલી કરીને-જો પૈસા નહીં આપે તો તને જીવવા નહીં દઉં તેવી ગર્ભિત ધાક-ધમકીઓ આપી હતી. આ ઉપરાંત મુંબઈના વિનોદભાઈ, સુરતના અરવિંદભાઈ ગઢવી સહિતના અન્ય આરોપીઓ પણ અવારનવાર ફોન કરીને માનસિક ત્રાસ આપતા હતા અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપતા હતા.
આ બધાના સતત આવતા ફોન, ગર્ભિત ધમકીઓ અને અસહ્ય માનસિક ત્રાસથી કટાળી જઈને ગત તા.૧૯/૬ના રોજ તેજસભાઇએ પોતાની જ દુકાનમાં નાઈટ્રિક એસિડ પી લીધું હતું. તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ ઓપરેશન બાદ સારવાર દરમિયાન ૨૨/૬ના રોજ મૃત્યુ થયું હતું. મળત્યુ બાદ તેજસભાઇના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં આરોપીઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. આ ચિઠ્ઠી ગીતાબેને પોલીસ સમક્ષ રજૂ કરતાં તેના આધારે તમામ સામે તેજસભાઇને ઉઘરાણી માટે ફોન કરી ધમકી દઇ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.


