જેતપુર-ધોરજી રોડ પર નવો રેલવે બ્રિજ વરસાદમાં લપસણો બનતા અનેક બાઈક સ્લીપ થયા
વાહન ચાલકો માટે જોખમી બન્યો, ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર-ધોરાજી રોડ પર ગત દિવાળીના તહેવારો દરમિયાન લોકાર્પણ કરાયેલો નવો રેલવે બ્રિજ હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆત સાથે જ બ્રિજની સપાટી અત્યંત લપસણી બની જતા ટુ-વ્હીલર વાહનચાલકો માટે આ બ્રિજ પરથી પસાર થવું જોખમી બન્યું છે.
જેતપુર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોમધાર વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. જો કે આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસી રહેલા વરસાદને કારણે બ્રિજની સપાટી પર ભેજ અને ચીકાશ જામી ગઈ છે. આ સપાટી લિસી અને એકદમ સપાટ હોવાથી બાઈક ચાલકોનું સંતુલન બગડતા તેઓ વાહન સાથે સ્લીપ થઈ રહ્યા છે. આજના દિવસમાં જ ચારથી પાંચ જેટલા ટુ-વ્હીલર અકસ્માતનો ભોગ બન્યા છે. વાહનો સ્લીપ થવાથી બાઈકોને ભારે નુકસાન થયું છે, જ્યારે એક પ્રૌઢ બાઈક ચાલક ગંભીર રીતે સ્લીપ થતાં તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે, ચોમાસું હજુ શરૂ થયું છે ત્યારે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા તાત્કાલિક અસરથી આ બ્રિજની સ્થળ તપાસ કરવામાં આવે. જે જગ્યાએ રસ્તો લિસો અને અતિ સપાટ છે, ત્યાં યોગ્ય ઘર્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અથવા તાત્કાલિક સમારકામ કરી વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. તંત્ર દ્વારા આ મામલે સત્વરે કાર્યવાહી થાય તેવી લોકમાગ ઉઠી છે.


