કણસાગરા મહિલા કોલેજ ખાતે બી.કોમ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
અભ્યાસક્રમ સહિતના વિષય પર માહિતગાર કરાઇ છાત્રાઓને
અગ્ર ગુજરાત, રાજકોટ
કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ ખાતે બી.કોમ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને કોલેજ ના શૈક્ષણિક વાતાવરણ, FYUGP (NEP-2020) હેઠળના અભ્યાસક્રમ, વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ ઉપલબ્ધ સુવિધાઓથી પરિચિત કરાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલબેન પલાણ દ્વારા નવી વિદ્યાર્થીનીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના માર્ગદર્શનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ, નિયમિત અભ્યાસ, શિસ્ત, સમયપાલન, વ્યક્તિત્વ વિકાસ તથા મૂલ્યનિષ્ઠ જીવન જીવવા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
બી.કોમ. વિભાગના અધ્યક્ષ ડૉ. રમેશ ગાવિત દ્વારા વિદ્યાર્થીનીઓને કોલેજ માં ઉપલબ્ધ વિવિધ તકોનો લાભ લઈ સર્વાંગી વિકાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના સંયોજક ડૉ. તુલસી રાવલ દ્વારા FYUGP અંતર્ગત અભ્યાસક્રમની રચના, ક્રેડિટ સિસ્ટમ, વિષયોની પસંદગી, આંતરિક મૂલ્યાંકન, સેમેસ્ટર પરીક્ષા પદ્ધતિ, શૈક્ષણિક નિયમો તથા કોલેજ માં કાર્યરત વિવિધ કમિટી અંતર્ગત થતી પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ડૉ. જાગૃતિ કાનાણી અને ડૉ. દેવદત્ત વ્યાસ દ્વારા વિદ્યાર્થીનીઓને કોલેજ ની વિવિધ સમિતિઓ, લાઇબ્રેરી, ડિજિટલ લર્નિંગ સુવિધાઓ, મેન્ટર-મેન્ટી સિસ્ટમ, સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ, પ્લેસમેન્ટ અને કારકિર્દી માર્ગદર્શન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તથા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર ડૉ. રાજેન્દ્ર સેંજલીયા એ વિદ્યાર્થીનીઓને સંબોધિત કરી રમતગમત, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, નેતૃત્વ વિકાસ અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે કોલેજ ના પ્રિન્સિપાલ, બી.કોમ. વિભાગ, તમામ અધ્યાપકગણ તથા આયોજન સમિતિએ જહેમત ઉઠાવી હતી.


