PGVCL કચેરીમાં MDની ચેમ્બર નજીકના ACમાં સ્પાર્ક બાદ આગ લાગી
ધૂમાડાના ગોટેગોટા ઉડતા અફરાતફરી, ફાયર વિભાગ દોડી જતાં મોટી દુર્ઘટના ટળી : તંત્રમાં રાહત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીમાં મેનેજિંગ ડિરેક્ટરની ચેમ્બર પાસે જ આજે 3 જુલાઈના સવારે એસીમાં અચાનક આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. જેથી કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્યુશર થકી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો અને તુરંત જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
શહેરના લક્ષ્મીનગર રોડ પર આવેલી PGVCL ની કોર્પોરેટ કચેરીમાં આજે મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીની ઓફિસ પાસે પેન્ટ્રી નજીક એક એર કંડીશન આવેલું છે. સવારે સફાઈ કર્યા બાદ મહિલા સફાઈ કામદાર દ્વારા એસી ચાલુ કરવામાં આવતા જ તણખા પડવા લાગ્યા અને જોતજોતામાં આસપાસનું વુડન સળગવા લગતા ધૂમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. જેથી શરૂઆતમાં સ્થાનિક કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
જે બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. જોકે આ દરમિયાન કચેરીમાં ધૂમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હતી. જેથી વેઇટિંગ રૂમમાં કાચ તોડી પ્રવેશ કરવો પડ્યો હતો. જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી. જોકે આ આગ ઓફિસ કાર્ય શરૂ થાય તે પહેલા લાગી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.


