રાજકોટમાં મધરાતે મેઘરાજા વરસ્યા, બે કલાકમાં ૧ ઈંચ
શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા, અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 3.66 ઈંચ વરસાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાતે રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ મધરાતે જોરદાર હાજરી નોંધાવી હતી. રાત્રે અંદાજે 12 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ લગભગ 2 વાગ્યા સુધી સતત ધીમી ધારે વરસ્યો હતો. માત્ર બે કલાકમાં આશરે 1 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.
જોકે સવાર સુધીમાં વરસાદે વિરામ લેતા મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસર્યા હતા અને જનજીવન ધીમે-ધીમે ફરી સામાન્ય બન્યું હતું. રાજકોટ હવામાન વિભાગે અગાઉથી જ શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આગાહી મુજબ મધરાત બાદ વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેટલાય મુખ્ય માર્ગો પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદનું પ્રમાણ ખૂબ વધુ ન હોવા છતાં ટૂંકા સમયમાં સતત વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. હાલ વરસાદે વિરામ લીધો હોવાથી સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે દિવસ દરમિયાન પણ રાજકોટમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. શહેરમાં અત્યાર સુધી ચાલુ ચોમાસાની સિઝનમાં કુલ 3.66 ઇંચ વરસાદ નોંધાયો છે. ઝોનવાર આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 85 મિમી, ઇસ્ટ ઝોનમાં 118 મિમી અને વેસ્ટ ઝોનમાં 76 મિમી વરસાદ નોંધાયો છે. અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં તફાવત જોવા મળ્યો હોવા છતાં સમગ્ર શહેરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર સતત નજર રાખવાની અપીલ કરવામાં આવી છે. જો આગાહી મુજબ વરસાદનું જોર વધશે તો આગામી દિવસોમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.


