સૌરાષ્ટ્રમાં આકાશી આફત સંદર્ભે રાજયમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક
અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સ્થિતિ અંગે જીતુ વાઘાણી કરશે સમીક્ષા : અધિકારીઓ ડિઝાસ્ટર પ્લાન અંગે માહિતી આપશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને ડેમોમાં પાણીની સતત આવક થઈ રહી હોવાથી સરકાર દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજશે.
આ બેઠકમાં સૌરાષ્ટ્રના સૌથી વધુ વરસાદથી પ્રભાવિત ત્રણ મહત્વના જિલ્લાઓ ભાવનગર, રાજકોટ અને અમરેલીની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર પાસેથી વરસાદની વર્તમાન સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, નદી-નાળાઓના જળસ્તર, ડેમોમાં પાણીની આવક, સંભવિત જોખમી વિસ્તારો અને અત્યાર સુધી લેવામાં આવેલા રાહત તથા બચાવના પગલાં અંગે લાઈવ માહિતી મેળવવામાં આવશે.
બેઠકમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો તેમજ જિલ્લા સ્તરના પદાધિકારીઓ પણ જોડાશે. ઉપરાંત ત્રણેય જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO), પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ પોતાના જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે બેઠકમાં હાજર રહી વર્તમાન પરિસ્થિતિની રજૂઆત કરશે.
આ ઉપરાંત ડેમોમાં પાણીની આવક અને જળસંગ્રહની સ્થિતિ, જરૂરિયાત મુજબ પાણી છોડવાની સંભાવના હોય તો તેની પૂર્વ તૈયારી, નદીકાંઠાના ગામોને એલર્ટ કરવાની વ્યવસ્થા અને હવામાન વિભાગની આગાહીને આધારે આગામી 24થી 48 કલાક માટેની કામગીરી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પરિસ્થિતિ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવવાનો, લોકોને સમયસર મદદ પહોંચાડવાનો અને તમામ આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તેની ખાતરી કરવાનો છે. આ બેઠક બાદ જરૂરી સૂચનાઓ તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવે તેવી શક્યતા છે.
રીવ્યુ બેઠકના મુદ્દાઓ
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ, સંવેદનશીલ ગામોની સ્થિતિ, પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય તો તેની સામેની કામગીરી, રસ્તાઓ પર પાણી ભરાવાથી ટ્રાફિક અને પરિવહન પર પડતી અસર તેમજ વીજ પુરવઠો અને પીવાના પાણી જેવી આવશ્યક સેવાઓની ઉપલબ્ધિ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
રાજ્ય સરકાર જિલ્લા કંટ્રોલ રૂમોની કામગીરીની પણ સમીક્ષા કરશે. કંટ્રોલ રૂમમાં મળતી ફરિયાદોનો નિકાલ કેટલા સમયમાં થઈ રહ્યો છે, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોની તૈનાતી, બચાવ સાધનોની ઉપલબ્ધિ, ફાયર બ્રિગેડ, SDRF/NDRF સહિતની ટીમોની તૈયારી તેમજ જરૂરિયાત મુજબ માનવબળ અને મશીનરીની વ્યવસ્થા અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવશે.


